કેપીએસસી ભરતી કેસમાં, ઇડીનો કર્ણાટક અને ગુજરાતમાં 21 સ્થળો પર દરોડો
નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ કર્ણાટક લોક સેવા આયોગ (કેપીએસસી) દ્વારા આયોજિત પશુચિકિત્સા અધિકારીઓની ભરતીમાં કથિત અનિયમિતતાઓ અને મની લોન્ડરિંગના કેસમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા. કાર્યવાહીમાં કેપીએસસીની કચેરી, સસ્પેન્ડ કરાય
ઇડી


નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ કર્ણાટક લોક સેવા આયોગ (કેપીએસસી) દ્વારા આયોજિત પશુચિકિત્સા અધિકારીઓની ભરતીમાં કથિત અનિયમિતતાઓ અને મની લોન્ડરિંગના કેસમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા. કાર્યવાહીમાં કેપીએસસીની કચેરી, સસ્પેન્ડ કરાયેલા અધ્યક્ષ શિવશંકરપ્પા એસ. સાહુકારનું નિવાસસ્થાન, કેપીએસસી સભ્ય શાંતા હોસમણી, કથિત વચેટિયાઓ, પરીક્ષાની ડિજિટલ મૂલ્યાંકન પ્રક્રિયા સાથે સંકળાયેલી કંપની અને પસંદ કરાયેલા ઉમેદવારોના પરિસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇડીના બેંગલુરુ ઝોનલ કાર્યાલય દ્વારા, કરવામાં આવેલી આ કાર્યવાહી કર્ણાટકના બેંગલુરુ, હાસન, ચિત્રદુર્ગ, દાવણગેરે, રાયચુર, કારવાર, કલબુર્ગી અને બેલગાવી સહિતના વિવિધ સ્થળોએ અને ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવી. તલાશીના દાયરામાં, પશુચિકિત્સા અધિકારીઓની ભરતી પરીક્ષાના અંતિમ પસંદગી સાથે સંકળાયેલા ઉમેદવારોના પરિસરોનો પણ સમાવેશ થાય છે.

આ કેસમાં બેંગલુરુના વિધાન સૌધ પોલીસ સ્ટેશનમાં 4 એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદોમાં પશુચિકિત્સા અધિકારીઓની ભરતી પરીક્ષાની અંતિમ પસંદગીમાં ગંભીર અનિયમિતતાઓના આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપ છે કે કેટલાક વચેટિયાઓએ ઉમેદવારોનો સંપર્ક કરીને પસંદગી કરાવવાના બદલામાં 70 થી 80 લાખ રૂપિયા પ્રતિ ઉમેદવાર સુધીની લાંચની માંગણી કરી.

ફરિયાદકર્તાએ આ વચેટિયાઓ સાથે થયેલી વાતચીતની કેટલીક ઓડિયો રેકોર્ડિંગ પણ તપાસ એજન્સીને સોંપી છે. આ કેસમાં પ્રશ્નપત્ર લીક થવા, ઓએમઆર ઉત્તરવહીઓમાં કથિત છેડછાડ અને કેપીએસસી અધિકારીઓના સંબંધીઓને અંતિમ પસંદગીમાં કથિત રીતે લાભ પહોંચાડવા જેવા આરોપો પણ લગાવવામાં આવ્યા છે.

ઇડી અનુસાર, તલાશી અભિયાનનો ઉદ્દેશ્ય કેસમાં કથિત નાણાકીય લેણદેણ અને તેની સાથે સંકળાયેલા લોકો તથા સંસ્થાઓ વિશે વધુ માહિતી એકત્ર કરવાનો છે. કાર્યવાહી દરમિયાન મળેલા દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ઇડીએ કેપીએસસી સાથે સંકળાયેલા આ કેસ ઉપરાંત કેરળના કોઝિકોડમાં પણ લગભગ 8 પરિસરોને તલાશી અભિયાનમાં સામેલ કર્યા છે. આ તલાશી મે મહિનામાં સીએમઆરએલ જૂથ સાથે સંકળાયેલા કેસમાં કરવામાં આવેલી કાર્યવાહીની આગળની કડી હોવાનું જણાવાયું છે.

ઇડી મુજબ, 27 મેના રોજ સીએમઆરએલ જૂથ વિરુદ્ધ કરવામાં આવેલી તલાશી દરમિયાન, પૂર્વ મુખ્યમંત્રીની પુત્રી વીણા સાથે સંકળાયેલા કેટલાક નવા પુરાવા સામે આવ્યા હતા. તપાસ એજન્સીને કથિત નાણાકીય લેણદેણ સંબંધિત માહિતી મળી હતી. હવે તે કથિત નાણાકીય લેણદેણમાં સામેલ હોવાનું જણાવાઈ રહેલા લોકો અને તેમની સાથે સંકળાયેલા પરિસરોને તલાશીના દાયરામાં લેવામાં આવ્યા છે.

ઇડીની બંને કાર્યવાહીમાં અત્યાર સુધી સામે આવેલા દસ્તાવેજો અને ડિજિટલ તથા અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં આગળની કાર્યવાહી તપાસના તારણોના આધારે કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande