
નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, 19 અને 20 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ દેહરાદૂન સ્થિત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી (આઇજીએનએફએ)માં ભારતીય વન સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ કરશે અને મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (એલબીએસએનએએ)માં આઇએએસ વ્યાવસાયિક અભ્યાસક્રમના બીજા તબક્કાના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે મંગળવારે જણાવ્યું કે, ઉપરાષ્ટ્રપતિ 19 ઓગસ્ટના રોજ આઇજીએનએફએની મુલાકાત લેશે અને ભારતીય વન સેવાના 2025-27 બેચના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કરવા ઉપરાંત તેમની સાથે સંવાદ કરશે. તેઓ 20 ઓગસ્ટના રોજ મસૂરી સ્થિત એલબીએસએનએએમાં 2024 બેચના આઇએએસ અધિકારીઓના વ્યાવસાયિક અભ્યાસક્રમના બીજા તબક્કાના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે.
અકાદમીના પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ