
નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ઉત્તર પ્રદેશના રામપુરના મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં બુધવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 10 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. ઇડી ની લખનૌ ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ), 2002 ની કલમ 17 હેઠળ રામપુર, સહારનપુર અને દિલ્હીમાં આ કાર્યવાહી કરી.
ઇડી ની આ તપાસ સરકારી કોન્ટ્રાક્ટની રકમને કથિત રીતે ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા ડાયવર્ટ કરવામાં આવી હોવા અને બાદમાં તે ભંડોળના ટ્રસ્ટ અને યુનિવર્સિટી સાથે સંકળાયેલી સંપત્તિઓ અને બાંધકામના કામોમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવા સાથે સંબંધિત છે. ઇડી મુજબ, તપાસમાં કેટલાક ખાનગી કોન્ટ્રાક્ટરો અને જૌહર ટ્રસ્ટ વચ્ચે નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે.
તપાસ એજન્સીને એ પણ માહિતી મળી છે કે, આમાં કથિત રીતે મોટી રકમના દાન અને બાંધકામના કામો સાથે સંકળાયેલા ચૂકવણીઓનો સમાવેશ થાય છે. એજન્સી આ વ્યવહારોના સ્ત્રોત, પ્રવાહ અને અંતિમ ઉપયોગની તપાસ કરી રહી છે.
ઇડી ની ટીમો નાણાકીય રેકોર્ડ, દસ્તાવેજો, બેંકિંગ વ્યવહારો અને ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. ઇડી અનુસાર, રામપુર સ્થિત મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ, જૌહર નગર અને મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી, જૌહર નગરને કાર્યવાહીના દાયરામાં રાખવામાં આવ્યા.
આ ઉપરાંત રામપુરમાં મેસર્સ એ એન્ડ એસ એન્ટરપ્રાઇઝિસ, શૌકત અલી રોડ, ઇલાહી મસ્જિદ સામે, પોલીસ સ્ટેશન સિવિલ લાઇન્સ વિસ્તારમાં પણ તલાશી લેવામાં આવી.
રામપુરમાં જ મેસર્સ સીકે એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જ્વાલા પેલેસ, પીપલ ટોલા સ્થિત પરિસર પર પણ ઇડી એ કાર્યવાહી કરી. કંપનીના ડિરેક્ટર પવન કુમાર જૈનના ગંગાપુર આવાસ વિકાસ, સિવિલ લાઇન્સ, રામપુર સ્થિત આવાસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. રામપુરના જેલ રોડ, બાગ છોટા વિસ્તાર સ્થિત શાહીન ખાનના પરિસર પર પણ રેકોર્ડ્સ તપાસવામાં આવી રહ્યા છે.
સહારનપુરમાં સીએ દીપક ગુપ્તાના સિલ્વા માર્કેટ, ફાયર સ્ટેશન સામે, અંબાલા રોડ સ્થિત કાર્યાલય અને ગ્રીન પાર્ક કોલોની, દિલ્હી રોડ સ્થિત આવાસ પર તલાશી લેવામાં આવી. દિલ્હીમાં મેસર્સ જૌહર એસોસિએટ્સ સાથે સંકળાયેલા સૈયદ ખાલિદના જસૌલા, જામિયા નગર સ્થિત પરિસરને પણ કાર્યવાહીના દાયરામાં રાખવામાં આવ્યું.
ઇડી એ જણાવ્યું કે એજન્સીનો ઉદ્દેશ્ય કથિત ગુનાથી કમાયેલા નાણાં શોધી કાઢવાની સાથે એ સ્થાપિત કરવાનો છે કે સરકારી કોન્ટ્રાક્ટની રકમ કયા માધ્યમથી ખાનગી સંસ્થાઓ સુધી પહોંચી અને ત્યાંથી ટ્રસ્ટ અથવા યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ અને સંપત્તિઓમાં તેનો કથિત ઉપયોગ કેવી રીતે થયો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ