
નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ ચોથી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠક (આઈએસએમઆર) માં ભાગ લેવા માટે, મંત્રી સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સિંગાપોરની સત્તાવાર મુલાકાતે બુધવારે રવાના થયા.
નાણાં મંત્રાલયે એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, મંત્રી નિર્મલા સીતારમણ એક મંત્રી સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સિંગાપોરની, સત્તાવાર મુલાકાતે આજે રવાના થયા. તેઓ 19-20 ઓગસ્ટના રોજ યોજાનારી બે દિવસીય ચોથી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેશે. સીતારમણ જે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે.
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2022 માં શરૂ કરાયેલી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠક ભારત અને સિંગાપોર વચ્ચેની એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય આર્થિક વ્યવસ્થા છે. આ બેઠક છ ક્ષેત્રો – એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, કનેક્ટિવિટી, ડિજિટલાઇઝેશન, આરોગ્ય સેવા અને ચિકિત્સા, કૌશલ્ય વિકાસ અને સસ્ટેનેબિલિટીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા અને સહયોગના નવા માર્ગો શોધવા માટે એક મંચ પૂરો પાડે છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચોથી આઈએસએમઆર બેઠક આ ક્ષેત્રોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિને આગળ વધારશે અને ભારત-સિંગાપોર આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરવાના નવા અવસરો પર વિચાર કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ