
કચ્છ, 27 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલી બાગેશ્રી સોસાયટીમાં જાહેરમાં પત્તાની રમત દ્વારા રૂપિયા દાવ પર લગાવી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રેડ દરમિયાન સ્થળ પરથી ત્રણ મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે રોકડ રકમ અને ગંજીપાનાં સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસને કિડાણા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસ સ્ટાફે કિડાણા સ્થિત બાગેશ્રી સોસાયટી તરફ નજર રાખી હતી.
મળેલી માહિતી મુજબ, બાગેશ્રી સોસાયટીના મકાન નંબર 87ની આગળના ખુલ્લા વિસ્તારમાં કેટલીક મહિલાઓ ગંજીપાનાં વડે તીનપત્તીની રમત રમી રૂપિયા તથા અન્ય દાવ પર હારજીત કરતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં ત્યાં જુગાર રમતી ત્રણ મહિલાઓ મળી આવી હતી. પોલીસે ત્રણેયને સ્થળ પરથી ઝડપી લઈ તેમની સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલી મહિલાઓમાં બાગેશ્રી સોસાયટી, કિડાણા ખાતે રહેતી 31 વર્ષીય બબીબેન બાબુભાઈ પરમાર, સેક્ટર-7 ગાંધીધામ ખાતે રહેતી 30 વર્ષીય મનીષાબેન ધનાભાઈ ચૌહાણ અને બાગેશ્રી સોસાયટી, કિડાણા ખાતે રહેતી 45 વર્ષીય કાંતાબેન રાજેશભાઈ પરમારનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના મુજબ હાથ ધરાઈ હતી. ગાંધીધામ “બી” ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે બાતમીને આધારે ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar