
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.) : હાર્બર
મરીન પોલીસ સ્ટેશનમાં ડીઝલ પંપની મંજૂરી આપાવવાના નામે રૂ.64 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ પોરબંદરના માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા જીતેન્દ્ર માધવજી બરીદુન સાથે વર્ષ 2020થી 2023 દરમિયાન અલગઅલગ સમયે આ છેતરપિંડી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ખાતે રહેતો શખ્સ નિર્મળ જયસુખભાઇ પટેલે પોરબંદરના માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા જીતેન્દ્ર માધવજી બરીદુનની સુભાષનગર વિસ્તારમાં આવેલી ઓફિસે આવ્યો હતો અને જગ્યાની લીઝ કરાવી આપવા તેમજ મંડળીઓના ડીઝલ પંપ પાસ કરાવવાનું કામ કરતો હોવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ ગાંધીનગર ખાતેથી ડીઝલ પંપ અંગેની મંજૂરી મેળવી આપવાની વાત કરી ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ.64 લાખની રકમ મેળવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ રકમ લીધા બાદ ડીઝલ પંપની મંજૂરીનું કામ કરાવવામાં આવ્યું ન હોવાનું તેમજ ફરિયાદીને રૂ.64 લાખ પરત પણ આપવામાં આવ્યા ન હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ રીતે વિશ્વાસમાં લઈ નાણાં પડાવી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે હાર્બરમરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya