
કચ્છ, 27 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા સપનાનગર વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 312 જેટલી બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે દારૂનો જથ્થો પહોંચાડનાર હોવાનું સામે આવેલા અન્ય શખ્સને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે સપનાનગર વિસ્તારમાં આવેલા એન.યુ.-4ના મકાન નંબર ઈ-53માં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન મકાનની અંદર અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે જીતેન્દ્રભાઈ પુરષોત્તમભાઈ ભાટીયા, ઉંમર 40 વર્ષ, રહે. ઈ-53, એન.યુ.-4, સપનાનગર, ગાંધીધામને સ્થળ પરથી ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં કુલ 312 બોટલ મળી આવી હતી. જેમાં 750 એમ.એલ.ની વિવિધ બ્રાન્ડની 147 બોટલ, 375 એમ.એલ.ની 45 બોટલ અને 180 એમ.એલ.ની 120 બોટલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે.
ઝડપાયેલા દારૂ અને અન્ય સામાનની કુલ કિંમત આશરે રૂ.2,06,549 હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્રાથમિક તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો યોગેશભાઈ નામના વ્યક્તિ દ્વારા રાજસ્થાનથી વાહન મારફતે પહોંચાડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. યોગેશભાઈ હાલ પોલીસની પકડથી બહાર હોવાથી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે સમગ્ર મામલે પ્રોહીબીશનની લાગુ પડતી કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar