“તેરા તુજકો અર્પણ” અભિગમથી ગાંધીધામ પોલીસે ફરિયાદીને પરત અપાવ્યા રૂ.1.26 લાખ
કચ્છ, 27 ઓગસ્ટ (હિ.સ.) : ગુનામાં કબજે થયેલી રકમ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ મૂળ હકદાર સુધી પરત પહોંચે તે માટે પોલીસ દ્વારા હાથ ધરાતી કામગીરીનું વધુ એક ઉદાહરણ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામે આવ્યું છે. વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં આરોપી
તેરા તુજકો અર્પણ ગાંધીધામ


કચ્છ, 27 ઓગસ્ટ (હિ.સ.) : ગુનામાં કબજે થયેલી રકમ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ મૂળ હકદાર સુધી પરત પહોંચે તે માટે પોલીસ દ્વારા હાથ ધરાતી કામગીરીનું વધુ એક ઉદાહરણ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામે આવ્યું છે. વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલા રૂ.1,26,907ની રોકડ રકમ કોર્ટના આદેશ બાદ ફરિયાદીને પરત સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જિલ્લામાં નોંધાતા ગુનાઓમાં તપાસ દરમિયાન જપ્ત થતી કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ તેના સાચા હકદારને પરત મળી રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ દિશામાં પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનાની તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ રિકવર કરી હતી. તપાસમાં આ રકમ ફરિયાદીના હક્કની હોવાનું સામે આવતા તેને પરત મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર મામલે નામદાર કોર્ટ, ગાંધીધામ સમક્ષ રકમ પરત મેળવવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા જરૂરી હુકમ કરવામાં આવ્યા બાદ પોલીસે રૂ.1,26,907ની રોકડ રકમ ફરિયાદીને સોંપી હતી. ગુનામાં કબજે થયેલી પોતાની રકમ પરત મળતા ફરિયાદીને રાહત અનુભવાઈ હતી.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાઓ તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસની આ કામગીરી માત્ર ગુનાની તપાસ પૂરતી સીમિત ન રહેતા ફરિયાદીના હક્કની સંપત્તિ તેને પરત અપાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. કોર્ટના આદેશનું પાલન કરીને રૂ.1.26 લાખથી વધુની રકમ મૂળ હકદારને પરત સોંપવામાં આવતા “તેરા તુજકો અર્પણ” અભિગમને સાર્થક બનાવતી પ્રજાહિતલક્ષી કામગીરી તરીકે તેને જોવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande