વાંસજાળિયા–રાણાવાવ રેલખંડમાં ઊંટનું સુરક્ષિત રેસ્ક્યુ, લોકોપાઇલટની સતર્કતાથી સંભવિત અકસ્માત ટળ્યો
ભાવનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : વાંસજાળિયા–રાણાવાવ રેલખંડમાં 27 ઓગસ્ટના વહેલી સવારે ઊંટ રેલવે ટ્રેક પર આવી જવાની ઘટનામાં લોકોપાઇલટની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી સંભવિત અકસ્માત ટળી ગયો. ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના લોકોપાઇલટ કા
વાંસજાળિયા–રાણાવાવ રેલખંડમાં ઊંટનું સુરક્ષિત રેસ્ક્યુ,


ભાવનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : વાંસજાળિયા–રાણાવાવ રેલખંડમાં 27 ઓગસ્ટના વહેલી સવારે ઊંટ રેલવે ટ્રેક પર આવી જવાની ઘટનામાં લોકોપાઇલટની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી સંભવિત અકસ્માત ટળી ગયો. ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના લોકોપાઇલટ કાલિદાસ તથા સહાયક લોકોપાઇલટ જગદીશ સાહુએ વાંસજાળિયા નજીક બ્રિજ નંબર 95 પર ટ્રેકની વચ્ચે ઊંટ બેઠેલો જોયો. તેમણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત અંતરે રોકી દીધી.

ઘટના આશરે 04:30 વાગ્યાની છે. સહાયક લોકોપાઇલટે સ્થળ પર જઈ તપાસ કરતાં જાણવા મળ્યું કે ઊંટ બ્રિજના ભાગમાં ફસાયેલો હતો. તેની જાણ તાત્કાલિક ટ્રેન મેનેજર એસ. પી. મીણા, રેલવે કંટ્રોલ તથા વાંસજાળિયા સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટને કરવામાં આવી.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના નિર્દેશ અનુસાર રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઊંટને સુરક્ષિત રીતે ટ્રેક પરથી બહાર કાઢવા માટે જરૂરી સાધનો સાથે ક્રેનની પણ મદદ લેવામાં આવી. સંકલિત અને ત્વરિત પ્રયાસોના પરિણામે આશરે 08:45 વાગ્યે ટ્રેકને સુરક્ષિત રીતે ક્લિયર કરી રેલવે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો.

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય તત્પરતા તથા સંકલનનો પરિચય આપ્યો. ઊંટને પણ સુરક્ષિત રીતે ટ્રેક પરથી બહાર કાઢવામાં આવ્યો.

આ ઘટનાને કારણે સુરક્ષાની દૃષ્ટિએ ટ્રેન નંબર 59214 પોરબંદર–ભાણવડ અને ટ્રેન નંબર 59213 ભાણવડ–પોરબંદર દૈનિક પેસેન્જર ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવી પડી. ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર 4 કલાક 32 મિનિટ, ટ્રેન નંબર 19207 પોરબંદર–રાજકોટ 3 કલાક 15 મિનિટ, ટ્રેન નંબર 12905 પોરબંદર–શાલીમાર 55 મિનિટ તથા ટ્રેન નંબર 59557 પોરબંદર–ભાવનગર 2 કલાક 43 મિનિટ મોડી દોડી હતી.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ લોકોપાઇલટ અને સહાયક લોકોપાઇલટની સતર્કતા તેમજ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી અને પ્રશંસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા. સતર્કતા, સંવેદનશીલતા અને સુરક્ષા—આ જ ભાવનગર મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande