જામનગરમાં ભંગારના ધંધાર્થીને સ્ક્રેપ આપવાના નામે રૂ.25 લાખની છેતરપિંડી
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) જામનગરના એલ્યુમિનિયમ વેપારીને એલ્યુમિનિયમ સ્ક્રેપ વેચવાના બહાને વિશ્વાસમાં લઈ રૂ.24,78,514ની રકમ બેંક મારફતે ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્ક્રેપ કે નાણાં પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ જામનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે નો
ફ્રોડ


જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) જામનગરના એલ્યુમિનિયમ વેપારીને એલ્યુમિનિયમ સ્ક્રેપ વેચવાના બહાને વિશ્વાસમાં લઈ રૂ.24,78,514ની રકમ બેંક મારફતે ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્ક્રેપ કે નાણાં પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ જામનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. આ બનાવમાં દિલ્હીના પંકજ ત્યાગી તથા ત્રીદેવ રીસાયકલીંગ પેઢીના માલિક ટોની બજાજ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં ઓસિયનીક એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રી નામની પેઢી ચલાવતા હર્ષ પરેશભાઈ વેકરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ એલ્યુમિનિયમ ઉત્પાદન સાથે સંકળાયેલા હોવાથી કાચો માલ ખરીદવા માટે અલગ-અલગ દલાલો તથા ઓનલાઈન માધ્યમથી વેપારીઓનો સંપર્ક કરતા હતા.

દરમિયાન ગુરુગ્રામ, હરિયાણા ખાતેની ત્રીદેવ રીસાયકલીંગ નામની પેઢીની ઈન્સ્ટાગ્રામ પરની જાહેરાત જોવા મળતાં પંકજ ત્યાગી નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો.

પંકજભાઈએ પોતે એલ્યુમિનિયમ સ્ક્રેપની દલાલી કરતા હોવાનું જણાવી પેઢીના માલિક ટોની બજાજનો મોબાઈલ નંબર આપ્યો હતો. ટોની બજાજ સાથે વાતચીત અને ભાવતાલ બાદ આશરે 7 ટન 75 કિલો એલ્યુમિનિયમ સ્ક્રેપ ખરીદવાનું નક્કી થયું હતું. આરોપીઓએ વિશ્વાસ કેળવવા માટે એક ટ્રકમાં એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરેલો હોવાનું જણાવી વે-બ્રિજની રસીદ, બિલ, ટ્રકમાં ભરેલા સ્ક્રેપના ફોટા-વિડિયો તથા ટ્રક નંબર સહિતની વિગતો મોકલી હતી.

આથી ફરિયાદીને વિશ્વાસ બેસતાં કુલ રૂ.25,70,000ની રકમમાંથી બે ટકા ટીડીએસ બાદ ચુકવણી કરવાની વાત થઈ હતી. આરોપીઓએ ફેડરલ બેંકના ખાતાનો રદ કરેલા ચેકનો ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ 22 જુલાઈ, 2026ના રોજ રૂ.10 લાખ આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. બીજા દિવસે બાકીના રૂ.14,78,514 જમા કરાવવા જણાવાતાં ફરિયાદીએ આ રકમ પણ આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરી હતી.

રકમ મળી ગયા બાદ માલ મોકલવામાં વિલંબ થવા લાગ્યો હતો. ફરિયાદીએ ટ્રક ક્યાં પહોંચ્યો તે જાણવા આરોપીઓનો સંપર્ક કરતાં ટોની બજાજે એક-બે દિવસમાં માલ મોકલી આપવાની અથવા માલ નહીં મોકલે તો નાણાં પરત આપવાની ખાતરી આપી હતી. જોકે ત્યારબાદ આજદિન સુધી એલ્યુમિનિયમ સ્ક્રેપ પણ આપવામાં આવ્યો ન હતો અને રૂ.24,78,514 પરત પણ કરવામાં આવ્યા ન હતા.

ફરિયાદી મુજબ પોતાની સાથે સાયબર છેતરપિંડી થયાનું જણાતાં અગાઉ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. વ્યવસાયને નુકસાન થવાની ભીતિથી તે સમયે પોલીસમાં એફઆઈઆર નોંધાવી ન હતી. બાદમાં પરિવારના સગાએ હિંમત આપતાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande