
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : ચાઈલ્ડ લાઈન 1098 પર મળેલી ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીની ટીમ દ્વારા તા.27 ઓગસ્ટના રોજ જામનગરના કનસુમરા ઔદ્યોગિક વિસ્તારમાં બાળ મજૂરી નાબૂદી અંગે દરોડા અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સવારે 11:45 વાગ્યાના અરસામાં જાગૃત મેટલની બાજુમાં, આર્યા એસ્ટેટ, ઓવરબ્રિજ નજીક, હરિયા કોલેજ મેઈન રોડ, કનસુમરા ખાતે આવેલી ચાની હોટલમાં તપાસ દરમિયાન 14 વર્ષથી નાની વયના બાળકને કામે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન 13 વર્ષ 9 માસની ઉંમરનો બાળક હોટલમાં કામ કરતો મળી આવતા તેને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી મારફતે બાળકને ઓબ્ઝર્વેશન હોમ (ચિલ્ડ્રન હોમ)માં સોંપવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, બાળ સુરક્ષા એકમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓની ટાસ્ક ફોર્સ ટીમ જોડાઈ હતી. ફરિયાદ મુજબ હોટલના માલિક લાલજી રવજીભાઈ લામકો દ્વારા 14 વર્ષથી નાની ઉંમરના બાળકને કામે રાખી તેની પાસે કામ કરાવી બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) સુધારા અધિનિયમની જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ અંગે સરકારી શ્રમ અધિકારીએ હોટલ માલિક વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt