જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ : લાગણીસભર દ્રશ્યો સર્જાયા
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : ભાઈ અને બહેનના અમર પ્રેમ તથા અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની જામનગર જિલ્લા જેલમાં પણ વિશેષ અને લાગણીસભર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી ત્યારે જેલ પરિસરમાં અનેક ભાવ
જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી


જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : ભાઈ અને બહેનના અમર પ્રેમ તથા અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની જામનગર જિલ્લા જેલમાં પણ વિશેષ અને લાગણીસભર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી ત્યારે જેલ પરિસરમાં અનેક ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

જામનગર જિલ્લા જેલમાં દર વર્ષે રક્ષાબંધનના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. ભાઈ-બહેનના પવિત્ર અને અમર સંબંધને સાર્થક કરવા તેમજ બંદીવાનોને પણ આ લાગણીસભર પર્વની અનુભૂતિ થાય તે હેતુથી જેલ સત્તાધીશો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેલ સત્તાધીશોની વ્યવસ્થા અનુસાર બંદીવાન ભાઈઓ માટે જેલની બહાર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

પ્રત્યેક બંદીવાન ભાઈ માટે અલગ-અલગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે બીજી તરફ તેમના પરિવારજનો, ખાસ કરીને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

એક પછી એક બંદીવાન ભાઈઓ પોતાની બહેન પાસે રાખડી બંધાવવા માટે આવ્યા હતા. બહેનોએ પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને લાગણીનું પ્રતીક એવી રાખડી બાંધી તેમના સુખ, સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

આ પ્રસંગે જેલની દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના સંબંધનો અતૂટ પ્રેમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ પોતાના બંદીવાન ભાઈને મળવાનો અવસર મળતાં અનેક બહેનોની આંખોમાં આંસુ છલકાયા હતા. બીજી તરફ ભાઈઓના ચહેરા પર પણ બહેનના સ્નેહ અને પ્રેમની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.

રક્ષાબંધનના આ પવિત્ર પર્વે સર્જાયેલા આ ભાવુક દૃશ્યોએ એક વાત સાબિત કરી હતી કે જેલની ઊંચી દિવાલો ભલે માણસને દુનિયાથી દૂર રાખી શકે, પરંતુ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીના અતૂટ સંબંધને ક્યારેય કેદ કરી શકતી નથી.

જામનગર જિલ્લા જેલ સત્તાધીશો દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાના કારણે બંદીવાન ભાઈઓ અને તેમની બહેનોને રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવાનો અવસર મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ સ્નેહ, પ્રેમ અને લાગણીથી ભરાઈ ગયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande