

ગાંધીનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ એટલે કે 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' નિમિત્તે રાજ્યની રમતગમત નીતિના સફળ પરિણામો સામે આવ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા 'ખેલ મહાકુંભ'ને કારણે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ક્રાંતિ આવી છે. 'શક્તિદૂત યોજના' અને 'ઇન-સ્કૂલ પ્રોગ્રામ' હેઠળ રાજ્યના ઉભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું કોચિંગ, પૌષ્ટિક આહાર અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને જિલ્લા સ્તરે સ્પોટ્સ સંકુલોના નિર્માણને કારણે આજે ગુજરાતના ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ સુવર્ણચંદ્રકો જીતીને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે.
મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે ૨૯મી ઓગસ્ટે ઉજવાતો 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' રમતના ઉત્સાહ અને ખેલદિલીનો પર્વ છે. આજે ૨૯મી ઓગસ્ટ ૨૦૨૬ના દિવસે જ્યારે સમગ્ર દેશ રમતગમતના મહત્વને બિરદાવી રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય રમતના ક્ષેત્રે એક અનોખો જ સાહસિક અને સ્વર્ણિમ અધ્યાય લખી રહ્યું છે. એક સમય હતો જ્યારે ગુજરાતની ઓળખ માત્ર વેપાર-ઉદ્યોગ પૂરતી સીમિત ગણાતી હતી. પરંતુ વર્તમાન ગુજરાત સરકારે રમતગમતને જે રીતે પ્રોત્સાહન આપ્યું છે તેનાથી આજે રાજ્યના યુવાનો નેશનલ અને ઇન્ટરનેશનલ મેદાન પર તિરંગો લહેરાવી રહ્યા છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા 'ખેલ મહાકુંભ'ના બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યા છે. ગુજરાત સરકારે આ અભિયાનને જે રીતે આગળ ધપાવ્યું છે, તેના લીધે આજે ગામડાંના છેવાડાના વિસ્તારોમાંથી પણ રમતવીરો શોધીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરનું કોચિંગ અને સુવિધાઓ આપવામાં આવી રહી છે. શાળાઓ અને કોલેજોમાંથી બહાર આવતી રમતગમતની પ્રતિભાઓને આજે યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે. તેમજ અમદાવાદ ખાતે વિશ્વનું સૌથી મોટું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' અને તેની આસપાસ આકાર લઈ રહેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ ગુજરાતની રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ઓળખ બનાવી ચૂક્યું છે.
રાજ્યના દરેક જિલ્લામાં અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ અને સ્ટેડિયમ નિર્માણ પામ્યા છે, જ્યાં ખેલાડીઓને તમામ પ્રકારની રમતો માટે વિશ્વસ્તરીય સાધનો ઉપલબ્ધ કરાવાય છે. ખેલાડીઓને આર્થિક તંગીના કારણે રમત છોડવી ન પડે તે માટે ગુજરાત સરકારની 'શક્તિદૂત યોજના' વરદાન સાબિત થઈ છે. ખેલાડીઓના ડાયેટ, તાલીમ, કિટ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનાર ખેલાડીઓને રોકડ પુરસ્કારો અને સરકારી નોકરીઓમાં અનામત આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ભારત જ્યારે ૨૦૩૬ના ઓલિમ્પિક્સ ગેમ્સની યજમાની કરી રહ્યું છે, ત્યારે ગુજરાતે તેની પૂર્વતૈયારી રૂપે આયોજન શરૂ કરી દીધું છે. ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સનું સફળ આયોજન કરવાની ગુજરાત સરકારની ક્ષમતાએ સાબિત કરી દીધું છે કે ગુજરાત ભવિષ્યના ઓલિમ્પિક્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૦૨૬ના આ અવસરે એ વાત સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારે રમતગમતને માત્ર એક મનોરંજન નહીં, પણ યુવા સશક્તિકરણ, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રનિર્માણનું મજબૂત માધ્યમ બનાવ્યું છે. 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત'નો નારો આજે રાજ્યના ઘરેઘરમાં ગુંજી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ