
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ભાનુ પેટ્રોલ પંપ પાસે રિક્ષા વાળતી વખતે એક્સેસ ચાલકને બ્રેક મારવી પડતાં થયેલી બોલાચાલી બાદ બે અજાણ્યા શખ્સોએ રિક્ષાચાલકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, એક શખ્સે ચાવી વડે રિક્ષાચાલકની ડાબી આંખના ભાગે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
ત્યારબાદ નીચે પટકાયેલા રિક્ષાચાલકના ડાબા હાથ તથા કમરના ભાગે લાતો મારતાં હાથમાં ફ્રેક્ચર થયું હતું. હુમલાખોરોએ ફરિયાદ કરીશ તો જોઈ લેવાની ધમકી આપી એક્સેસ પર ફરાર થઈ ગયા હતા.
જામનગરના કિશાનચોક, મોદીના વાડા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા દીપેશભાઈ ભરતભાઈ જોઇષરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ તા.17 ઓગસ્ટના રાત્રિના સાડા આઠેક વાગ્યે તેઓ રિક્ષા લઈને રણજીતસાગર રોડ પર ભાનુ પેટ્રોલ પંપ પાસે પેસેન્જરને ઉતારી રિક્ષા પરત વાળતા હતા. આ દરમિયાન પાછળથી સફેદ રંગની નંબર પ્લેટ વગરની એક્સેસ મોટરસાયકલ પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. રિક્ષા વાળતી વખતે તેમને બ્રેક મારવી પડતાં બંને શખ્સોએ રિક્ષા આગળ એક્સેસ ઉભી રાખી દીધી હતી અને રિક્ષાચાલકને ગાળો આપી નીચે ઉતારી લીધો હતો.
બંને શખ્સોએ દીપેશભાઈને ઝાપટા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન કાળા ટી-શર્ટવાળા શખ્સે પોતાની પાસેની ચાવી કાઢી ચાવીનો ઘા દીપેશભાઈની ડાબી આંખના ભાગે માર્યો હતો. માર મારવાથી તેઓ નીચે પડી જતાં બંનેએ તેમના ડાબા હાથ તથા કમરના ભાગે લાતો મારી મૂઢ ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ કાળા ટી-શર્ટવાળા શખ્સે રિક્ષાનો ફોટો પાડી ફરિયાદ કરીશ તો જોઈ લેવાની ધમકી આપી હતી. બંને શખ્સો ત્યારબાદ એક્સેસ લઈને નાસી છૂટ્યા હતા.
ઇજાગ્રસ્ત દીપેશભાઈને તેમના કાકા શૈલેષભાઈ તથા મિત્ર વિશાલ મંત્રી દ્વારા ખાનગી વાહનમાં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. તબીબી તપાસમાં ડાબા હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાતા પાટો બાંધી સારવાર આપવામાં આવી હતી. હુમલાખોરોની શોધખોળ તથા સારવારના કારણે ફરિયાદ કરવામાં વિલંબ થયો હોવાનું જણાવી દીપેશભાઈએ આખરે બંને અજાણ્યા શખ્સો તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt