
- એકતા નગર ખાતે ઓક્ટોબર 2026માં આયોજિત થનાર આરંભ -2026ના આયોજનને લઈને સ્થળ મુલાકાત
રાજપીપળા,29 ઓગસ્ટ (હિ.સ.) લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA)ના નિયામક બી.રાજેન્દ્રએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી,સરદાર સરોવર નર્મદા ડેમ,નર્મદા ઘાટ, ડેમ વ્યુ પોઇન્ટ, એકતા નર્સરી,એકતા પરેડ રુટનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રતિવર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર સાહેબની જયંતિ રાષ્ટ્રિય એકતા દિવસના રોજ તાલીમી સનદી અધિકારીઓ માટે આરંભ કાર્યક્રમનું આયોજન થતું હોય છે,કાર્યક્રમ દરમ્યાન તાલીમી સનદી અધિકારીઓને પ્રધાનમંત્રી સંબોધન કરી માર્ગદર્શન આપતા હોય છે,આજે નિયામક બી.રાજેન્દ્રએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સાથે આરંભ 2026 દરમ્યાન યોજાનાર વિવિધ કાર્યક્રમોના સ્થળોની મુલાકાત લીધી હતી.
નિયામક બી.રાજેન્દ્રએ એકતા નગરમાં એકતાની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને સમર્પિત આ સ્મારક અંગે માહિતી મેળવી હતી.
મુલાકાત દરમ્યાન તેઓએ નોંધપોથીમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આ અદભુત ઇજનેરી ઉત્કૃષ્ટ સ્મારકના માધ્યમથી મહાન શ્રદ્ધાંજલિ આપવાનું સદ્કાર્ય થયું છે.આ મહાન સ્મારકની પરિકલ્પના અને નિર્માણને સાકાર કરનાર પ્રધાનમંત્રીની દૂરંદેશી વિચાર ને હું નમન કરું છું,આધુનિક ભારતના ગૌરવશાળી સ્મારકના નિર્માણમાં યોગદાન આપનાર સૌ ઇજનેરો અને વિશેષજ્ઞોને મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું.એ જોઈને અત્યંત પ્રસન્નતા થાય છે કે, આ સ્મારકનું સંચાલન અને જાળવણી આટલી ઉત્તમ રીતે કરવામાં આવી રહી છે તે જોઈને અત્યંત આનંદ થાય છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને સંચાલન ટીમને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
મુલાકાત દરમિયાન તેમની સાથે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA)ના પ્રાધ્યાપક બાગડી ગૌતમ,ઇન્ડેક્ષટ-સી ના કાર્યકારી નિયામક સંજય જોશી ઉપસ્થિત રહયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ નિયામકને સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી હતી,આ સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ,અધિક કલેકટર ગોપાલ બામણીયા ઉપસ્થિત રહયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ