
ભાવનગર, 29 ઓગસ્ટ (હિ.સ.)ગોહિલવાડની જાણીતી શિક્ષણ અને સંશોધન સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં સંસ્થાના પ્રણેતા, ગાંધીવિચારક, કેળવણીકાર અને સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી ‘દર્શક’ની સ્મૃતિમાં સ્મારક વ્યાખ્યાન તથા પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં લેખિકા અને અભ્યાસુ અધ્યાપિકા શરીફાબેન વીજળીવાળાએ ‘સાહિત્ય અને સમાજ’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નવું સર્જન જૂના સર્જનના ભોગે થતું નથી, પરંતુ મૂલ્યો સાથે નવું સર્જન થતું હોય છે. સમાજ અને સાહિત્ય પરસ્પર સંકળાયેલા છે. સાચો સર્જક વર્તમાન શાસકને પ્રશ્ન કરે જ છે.
લોકભારતીના વડા અરુણભાઈ દવેએ સ્વાગત અને ભૂમિકા રજૂ કરી હતી. તેમણે નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી દ્વારા સ્થાપિત લોકભારતીના મૂલ્યો આજે પણ જળવાઈ રહ્યા હોવાનું ગૌરવપૂર્વક જણાવ્યું હતું. આત્મજ્ઞાન, વિજ્ઞાન અને અભ્યાસ એટલે લોકભારતીનો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. વક્તાનો પરિચય રાજેન્દ્રભાઈ ખીમાણીએ આપ્યો હતો, જ્યારે વ્યાખ્યાનનું સંચાલન વિશાલભાઈ જોષીએ કર્યું હતું.
આ પ્રસંગે ચાર પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી અને આરોગ્ય ક્ષેત્રે મૂળજીભાઈ ભલાણી, બાળસાહિત્ય ક્ષેત્રે વાસુદેવભાઈ સોઢા, શિક્ષણ ક્ષેત્રે બળવંતભાઈ તેજાણી અને ગ્રામવિકાસ ક્ષેત્રે જયેશભાઈ રાવળનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ દેવમુરારીએ કર્યું હતું. રામચંદ્રભાઈ પંચોળીએ આભારવિધિ કરી હતી. સંગીતવૃંદ દ્વારા સુંદર ગીતગાન રજૂ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA