

- વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તાલુકાકક્ષાના વન મહોત્સવ અંતર્ગત જન્મસ્થળ સ્મારક તથા 'વરૂણ વન' ખાતે વૃક્ષારોપણ કરાયું
સુરેન્દ્રનગર,29 ઓગસ્ટ (હિ.સ.) મહાત્મા ગાંધીજીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવભર્યા બિરુદથી નવાજ્યા હતા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની અને 'પહાડના બાળક' તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણીની 130મી જન્મજયંતી અવસરે તેમની જન્મભૂમિ ચોટીલા ખાતે 'મેઘાણી વંદના – સ્મરણાંજલિ' કાર્યક્રમ યોજાયો હતો.
નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની વિરાસતથી વધુ નિકટથી પરિચિત અને પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી સ્થાપિત 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન' દ્વારા જન્મસ્થળ સ્મારક તથા સંગ્રહાલય ખાતે આયોજન કરાયું હતું.
આ પ્રસંગે રાજકોટ લોકસભા સાંસદ પરશોત્તમ રૂપાલા અને લોકગાયક અભેસિંહ રાઠોડ ઉપરાંત સ્થાનિક નગરપાલિકાના હોદ્દેદારો, દિલ્હીના વરૂણ વનના પ્રણેતા બ્રીજભાઈ અને મીનાબેન ઠક્કર, શિક્ષણવિદ કિરીટસિંહ રહેવર, વન વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઐતિહાસિક જન્મસ્થળમાં સ્થાપિત મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્મારક, સંગ્રહાલય તથા સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન સાંસદ પરશોત્તમ રૂપાલાએ મેઘાણીજીના જીવન વિશે માહિતીસભર વાતો કરી હતી, જ્યારે લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતોના હૃદયસ્પર્શી આસ્વાદ થકી સહુને ડોલાવી દીધા હતા.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત ચોટીલા તાલુકાકક્ષાના વન મહોત્સવ અંતર્ગત સ્મારક પરિસર તથા 'વરૂણ વન' ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. માત્ર 25 વર્ષની યુવા વયે અણધારી વિદાય લેનાર ટંકારાના મૂળ વતની અને દિલ્હી નિવાસી સેવાભાવી સ્વ. વરૂણ ઠક્કર (કક્કડ)ની પુણ્યસ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમા પથ પર 2100 વૃક્ષો ધરાવતા 'વરૂણ વન'નું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં તમામ અગ્રણીઓનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ,1896ના રોજ ચોટીલાના પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2010માં સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત જે ઐતિહાસિક જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેનો રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 34 કરોડના ખર્ચે સંગ્રહાલય અને 5 કરોડના ખર્ચે પુસ્તકાલય તૈયાર કરીને સુયોગ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ