
રાજપીપળા,29 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય જ્ઞાન પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા શિક્ષણ વિભાગના ઉપક્રમે ગાંધી ચોક સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્કૃત સંભાષણ દિવસ અને સંસ્કૃત સાહિત્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં સંભાષણ, સંસ્કૃત સાહિત્ય તથા ભારતીય જ્ઞાનપરંપરા સાથે જોડાયેલી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર સાથે નવી પેઢીને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત કરવાના સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, “આપણે વેદો અને ઉપનિષદો તરફ પાછા વળીને આપણી સમૃદ્ધ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને પુનર્જીવિત કરીએ.” તેમણે વધુમાં જણાવ્યું કે, સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે ભારતીય સંસ્કૃતિના મૂળ સાથે જોડાય અને આપણી ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવે તે જરૂરી છે.
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળા-પોઈચા, વાત્સલ્ય વિદ્યાલય, નવદુર્ગા હાઈસ્કૂલ, એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સહિત વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ અને અભિરુચિ વધે તેમજ સંસ્કૃત સાહિત્ય અને ભારતીય જ્ઞાનપરંપરાનો પરિચય મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણ પટેલ, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પ્રભાત રાઠવા, જિલ્લા શિક્ષણ નિરીક્ષક અરવિંદ બી.રાઠવા, એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ