
બોટાદ, 31 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લામાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક સ્તરે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ ૪૩૦ સામૂહિક કમ્પોસ્ટ પીટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેના પરિણામે જિલ્લાના કુલ 180 ગ્રામ પંચાયતોમાં સુકા અને ભીના કચરાને વૈજ્ઞાનિક રીતે અલગ કરી કચરાનું યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ઘરેથી નીકળતા ભીના અને સૂકા કચરાનું અલગ-અલગ એકત્રિકરણ કરવામાં આવે છે. ભીના કચરાને સામૂહિક કમ્પોસ્ટ પીટમાં પ્રક્રિયા કરી તેમાંથી જૈવિક ખાતર તૈયાર કરવાની દિશામાં કામગીરી થાય છે. જ્યારે સૂકા કચરાને અલગ રાખી તેના પુનઃઉપયોગ અને રિસાયક્લિંગ માટે યોગ્ય રીતે વ્યવસ્થિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે અને ખુલ્લામાં કચરો ફેંકવાની સમસ્યામાં ઘટાડો થાય છે.
સામૂહિક કમ્પોસ્ટ પીટના ઉપયોગથી ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા જળવાઈ રહેવાની સાથે ભીના કચરામાંથી ઉપયોગી ખાતર તૈયાર કરવાનો માર્ગ પણ ખુલ્યો છે. આથી પર્યાવરણ પર થતી પ્રતિકૂળ અસર ઘટાડવામાં મદદ મળી રહી છે.
બોટાદ જિલ્લાના ગામોમાં કચરા વ્યવસ્થાપનની આ વ્યવસ્થા સ્વચ્છ અને સ્વસ્થ ગ્રામ્ય પર્યાવરણના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ગ્રામજનોમાં પણ કચરાનું સ્ત્રોત પર જ વિભાજન, સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધે તે માટે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA