

અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ ખાતે શાળાના વિદ્યાર્થીઓ સાથે વહેલી સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોગાભ્યાસ કર્યો હતો.
રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયામ કર્યા હતા તથા 'ઓમકાર' નાદ અને ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે યોગાભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગ અને પ્રાણાયામથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, તંદુરસ્તી જળવાય છે અને મન એકાગ્ર બને છે.
યોગાભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં રાજ્યપાલએ ડિજિટલ સ્ક્રીનની આભાસી દુનિયાથી દૂર રહી માતા-પિતા અને ગુરુજનોએ દર્શાવેલા વાસ્તવિક જીવનના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો. સત્ય અને પ્રામાણિકતાને પ્રગતિનો મૂળ આધાર ગણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, માનવ માત્રથી ભૂલ થવી સ્વાભાવિક છે, પરંતુ ભૂલ છુપાવવા અસત્ય કે ખોટી સંગતનો સહારો લેવો એ બરબાદી તરફ લઈ જાય છે. ભૂલ થાય ત્યારે વડીલો સમક્ષ તેનો નિઃસંકોચ સ્વીકાર કરવાથી મનનો બોજ હળવો થાય છે અને સાચું માર્ગદર્શન મળે છે. સાથે જ તેમણે વડીલોને પણ ભૂલ કરનાર બાળકો પ્રત્યે નમ્ર વ્યવહાર રાખવા ટકોર કરી હતી.
સફળ જીવન માટે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ચાર મહત્વપૂર્ણ નિયમો આપતાં જણાવ્યું હતું કે, બહારના જંક ફૂડને બદલે ઘરે બનેલો શુદ્ધ-સાત્વિક આહાર લેવો, વ્યસન તથા દુર્ગુણી સંગતથી દૂર રહેવું, માતા-પિતા અને શિક્ષકોની આજ્ઞાનું પાલન કરવું તેમજ પ્રાણાયામને દૈનિક દિનચર્યાનો અવિભાજ્ય હિસ્સો બનાવવો.
રાજ્યપાલએ વિદ્યાર્થીઓને જીવનમાં પરિશ્રમ, શિસ્ત અને સકારાત્મક અભિગમ અપનાવવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ, અધિકારીઓ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ