
બોટાદ, 31 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે દાદાને શિવસ્વરૂપમાં અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ તા. 31 ઓગસ્ટ, 2026ના રોજ મંદિરના ગર્ભગૃહમાં ‘શિવલિંગ થીમ’ આધારિત વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રીકષ્ટભંજનદેવને ભગવાન શિવના સ્વરૂપમાં રૂદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર તથા મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરાવીને શણગારવામાં આવ્યા હતા. દાદાના શણગારમાં ત્રિશૂળ, ડમરૂ તેમજ ‘નમઃ શિવાય’ લખેલા વિશેષ વાઘાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. શિવસ્વરૂપમાં દાદાના દિવ્ય દર્શન ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
મંદિરના ગર્ભગૃહને પણ શિવલિંગ, ત્રિપુંડ તથા ત્રિશૂળની આકૃતિઓથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો.
સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શ્રાવણ માસના પવિત્ર સોમવારે દાદાના આ અનોખા શિવસ્વરૂપ શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA