કોટામોઇ ગામે જીવંત વીજ તારની ઝપેટમાં યુવતીનું કરુણ મોત
ભાવનગર, 31 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઇ ગામે વાડી વિસ્તારમાં જીવંત વીજ તારની ઝપેટમાં આવતાં યુવતીનું કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી સાથે ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, કોટામોઇ ગામમાં રહેતી મનિષા કવાડ રાત્
મૃતક ફાઇલ ફોટો


ભાવનગર, 31 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઇ ગામે વાડી વિસ્તારમાં જીવંત વીજ તારની ઝપેટમાં આવતાં યુવતીનું કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી સાથે ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, કોટામોઇ ગામમાં રહેતી મનિષા કવાડ રાત્રિના સમયે શૌચક્રિયા માટે વાડી વિસ્તાર તરફ ગયા હતા. આ દરમિયાન ખેતરના શેઢા પર લગાવવામાં આવેલી વીજ તારની ફેન્સીંગના સંપર્કમાં આવતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વાડીમાં પશુઓ કે વન્યજીવોના પ્રવેશને રોકવા માટે શેઢા પર લગાવવામાં આવેલી તારની ફેન્સીંગમાં ગેરકાયદેસર રીતે જીવંત વીજ કરંટ છોડવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંધારાના કારણે મનિષાબેનને આ વીજ તાર નજરે ન પડતાં તેઓ તેના સંપર્કમાં આવ્યા હતા. વીજ કરંટ લાગતાં જ તેઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું.

રાત્રિના સમયે બનેલી આ ઘટનાની પરિવારજનોને તાત્કાલિક જાણ ન થતાં યુવતીનો મૃતદેહ આખી રાત ખેતરના શેઢા પાસે જ પડ્યો રહ્યો હતો. સવારે પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. યુવતીના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ વાડી માલિક સામે કડક કાર્યવાહી કરી જવાબદાર વ્યક્તિને કાયદેસરની સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. ગેરકાયદેસર રીતે જીવંત વીજ તાર લગાવવાના બનાવોની તપાસ કરી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande