
નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું કે, પાકિસ્તાન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો ત્યારે જ શક્ય છે, જ્યારે તે સરહદ પાર આતંકવાદ, શત્રુતા અને હિંસાથી મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરે. સરકારે સ્પષ્ટ કર્યું કે, સરહદ પાર આતંકવાદ અને તેની સાથે જોડાયેલું માળખું સમાપ્ત કરવું ભારતની સ્પષ્ટ અને અડગ નીતિ છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, પાકિસ્તાન સાથે ભારતના સંબંધો આતંકવાદ, શત્રુતા અને હિંસાથી મુક્ત વાતાવરણમાં જ આગળ વધી શકે છે. જોકે, પાકિસ્તાન પ્રાયોજિત સરહદ પાર આતંકવાદ હજુ પણ ચાલુ છે અને આતંકવાદનો ઉપયોગ ભારત વિરુદ્ધ સત્તાવાર નીતિ તરીકે કરવામાં આવી રહ્યો છે.
સરકારે જણાવ્યું કે, પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને મળેલો 'મોસ્ટ ફેવર્ડ નેશન' (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો તથા પાકિસ્તાનથી આયાત થતી તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારીને 200 ટકા કરી હતી. ત્યારબાદ પાકિસ્તાને પણ ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડવા અને દ્વિપક્ષીય વેપાર સ્થગિત કરવા જેવા એકતરફી પગલાં લીધા.
જવાબમાં જણાવાયું કે, 22 એપ્રિલ 2025ના પાકિસ્તાન પ્રાયોજિત પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે અનેક રાજદ્વારી પગલાં લીધાં. તેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી ખાતેનો ચેક પોસ્ટ બંધ કરવો, વિઝા સેવાઓ પર રોક લગાવવી તથા બંને દેશોના રાજદ્વારી મિશનોમાં અધિકારીઓની સંખ્યા ઘટાડવી સામેલ છે. સાથે જ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીર (પીઓકે)માં આવેલા આતંકી ઠેકાણાઓ સામે સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
સરકારે જણાવ્યું કે, હાલમાં બંને દેશોમાં એકબીજાની રાજધાનીઓમાં મર્યાદિત સ્તરે રાજદ્વારી મિશનો કાર્યરત છે. બંને દેશો વચ્ચે માત્ર આવશ્યક કાર્યાત્મક સંપર્કો જ ચાલુ છે, જેમાં મહાનિર્દેશક સૈન્ય સંચાલન (ડીજીએમઓ) સ્તરની વાતચીત, બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણોની પૂર્વ સૂચનાનો આદાનપ્રદાન, પરમાણુ સ્થાપનાઓની યાદીનું આદાનપ્રદાન તથા એકબીજાની કસ્ટડીમાં રહેલા માછીમારો અને નાગરિક કેદીઓની માહિતી વહેંચણીનો સમાવેશ થાય છે.
સરકારે કહ્યું કે, ભારતે સરહદ પાર આતંકવાદ અને તેની સાથે જોડાયેલા માળખા પ્રત્યે પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે તથા નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લીધાં છે. સરકારે કહ્યું કે, સામાન્ય દ્વિપક્ષીય સંબંધોની પુનઃસ્થાપના માટે સરહદ પાર આતંકવાદનો સંપૂર્ણ અંત આવશ્યક શરત છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ