
દેહરાદૂન, નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ. સ.). ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આદિ કૈલાસ યાત્રાને પ્રતિકૂળ હવામાન અને આકસ્મિક પરિસ્થિતિઓને બાદ કરતાં વર્ષભર સંચાલિત કરવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ પર પિથોરાગઢ જિલ્લા પ્રશાસને તમામ સંબંધિત વિભાગોને સંકલિત કાર્યયોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે.
જિલ્લાધિકારી આશિષ ભટગાંઈએ શુક્રવારે જણાવ્યું કે, મુખ્યમંત્રીની મંશા અનુસાર આદિ કૈલાસ યાત્રાને વધુ સુગમ, વ્યવસ્થિત અને સર્વસુલભ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, કૈલાસ માનસરોવર યાત્રાની સાથે-સાથે આદિ કૈલાસ યાત્રાનું પણ અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી સરહદીય જિલ્લો પિથોરાગઢ ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટનના મુખ્ય કેન્દ્ર તરીકે નવી ઓળખ સ્થાપિત કરી શકે. તેમણે કહ્યું કે, વર્ષભર આદિ કૈલાસ યાત્રાની વ્યવસ્થા એવી રીતે વિકસાવવામાં આવશે કે કૈલાસ માનસરોવર યાત્રા પણ પ્રભાવિત ન થાય.
તેમણે રસ્તા, પીવાના પાણી, વીજળી, સંચાર, આરોગ્ય, સુરક્ષા, પાર્કિંગ, સ્વચ્છતા, આવાસ, ભોજન, આપત્તિ વ્યવસ્થાપન અને અન્ય આવશ્યક સુવિધાઓની વિસ્તૃત યોજના તૈયાર કરીને સમયબદ્ધ કાર્યવાહી સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા. તમામ વિભાગોને સંકલન સાથે યાત્રા માર્ગ પર શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને બહેતર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જણાવાયું છે.
જિલ્લાધિકારીએ કહ્યું કે, વર્ષભર યાત્રાના સંચાલનથી સરહદીય વિસ્તારોમાં ધાર્મિક પર્યટનને નવી ગતિ મળશે. હોટેલ, હોમસ્ટે, પરિવહન, સ્થાનિક વેપાર, હસ્તકલા અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોજગાર અને સ્વરોજગારની તકો વધશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ધામીના નેતૃત્વમાં રાજ્ય સરકાર ધાર્મિક પર્યટનના વિસ્તરણ માટે સતત પહેલ કરી રહી છે અને વર્ષભર આદિ કૈલાસ યાત્રાનું સંચાલન તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.
સરકારી આંકડાઓ અનુસાર, ઓક્ટોબર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિ કૈલાસના પ્રવાસ પછી આ ક્ષેત્રમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પર્યટન વિભાગ મુજબ વર્ષ 2023માં અહીં 17,408 પ્રવાસીઓ પહોંચ્યા હતા, જ્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 1,25,277 થઈ ગઈ. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 76,930થી વધુ પ્રવાસીઓ આદિ કૈલાસ પહોંચી ચૂક્યા છે અને વર્ષના અંત સુધીમાં આ સંખ્યા દોઢ લાખથી વધુ થવાનો અંદાજ છે.
પર્યટન વિભાગ અનુસાર, ક્ષેત્રમાં 550થી વધુ હોમસ્ટે વિકસિત થઈ ચૂક્યા છે, જેનાથી સ્થાનિક લોકોને આજીવિકાની નવી તકો મળી છે અને પર્યટન આધારિત આર્થિક ગતિવિધિઓમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ