
સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના બેસાણામાં ધોરણ-8માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ભાઈ-બહેન વચ્ચે મસ્તી દરમિયાન થયેલી ઘટનાને પગલે માતાએ બંનેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, બેસાણા ગામમાં રહેતા અને મૂળ મુવનેશ્વરનગરના રહેવાસી 13 વર્ષીય સુજલ નરેશ પટેલ ધોરણ-8માં અભ્યાસ કરતો હતો. તે મોરાભાગળ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલમાં ભણતો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ઘરમાં ભાઈ-બહેન વચ્ચે સામાન્ય બાબતે મસ્તી અને ઝઘડો થતાં માતાએ બંનેને ઠપકો આપ્યો હતો.
ત્યારબાદ માતા પોતાના પાનકાર્ડ અને આધારકાર્ડનું કામ પતાવવા માટે બહાર ગઈ હતી. આશરે 15થી 20 મિનિટ બાદ ઘરે પરત ફરતાં પુત્ર ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પંચનામા સહિતની કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, ઘરમાં ભાઈ-બહેન વચ્ચે સામાન્ય મસ્તી દરમિયાન માતાએ ઠપકો આપ્યો હતો. આ ઘટનાથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે