
વલસાડ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)
વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત દમણથી ગુજરાતમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂ (ઇંગ્લીશ દારૂ)ની હેરાફેરી કરનાર બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સદ્દામ S/O ઇબ્રાહિમ મહેબુબ શેખ (ઉં.વ. 34), રહે. નાની દમણ, ખારીવાડ, અમર એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.104, વિરુદ્ધ વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન હેઠળના ગુનાઓ નોંધાયેલા હતા. આરોપી દ્વારા દમણ ખાતેથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાના કારણે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ દરખાસ્ત વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ નિતિન સાંગવાન સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેને મંજૂરી મળ્યા બાદ LCB ટીમે સદ્દામ શેખને પાસા હેઠળ અટકાયતમાં લીધો હતો. ત્યારબાદ તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
બે ગુનાઓમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયોપોલીસ રેકોર્ડ મુજબ આરોપી વિરુદ્ધ વલસાડ જિલ્લામાં નોંધાયેલા બે પ્રોહિબિશન ગુનાઓમાં કુલ 7,212 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેની કુલ કિંમત આશરે રૂ.21.39 લાખ હોવાનું સામે આવ્યું છે.
વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં 2,256 બોટલ દારૂ, કિંમત રૂ.3.66 લાખ, જ્યારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં 4,956 બોટલ દારૂ, કિંમત રૂ.17.73 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો.
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ ના માર્ગદર્શન હેઠળ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ની સૂચનાથી કરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી. વસાવા, ASI વિજય શાલીગ્રામ અને ASI વિજય મનધવરાવ સહિતની ટીમે કામગીરી પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha