કડોદરા જુથ અથડામણઃ જેલમાં થયેલા ઝઘડાની અદાવતમાં ગોળીબાર
સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લાના કડોદરા ખાતે તિરુપતિ સોસાયટીમાં સોમવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. બુટલેગર અખિલેશ ઉર્ફે પિંકેશ યાદવે કરેલા ફાયરિંગમાં નયન પાટીલને પગમાં ગોળી વાગતા તેને સારવ
કડોદરા જુથ અથડામણઃ જેલમાં થયેલા ઝઘડાની અદાવતમાં ગોળીબાર


સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લાના કડોદરા ખાતે તિરુપતિ સોસાયટીમાં સોમવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. બુટલેગર અખિલેશ ઉર્ફે પિંકેશ યાદવે કરેલા ફાયરિંગમાં નયન પાટીલને પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે કડોદરા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી એક-એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફાયરિંગ કરનાર અખિલેશ હથિયાર સાથે ફરાર છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કડોદરાની તિરુપતિ સોસાયટીમાં રહેતો નયન પાટીલ અને તેનો મિત્ર સાહિલ મકવાણા સોમવારે રાત્રે સોસાયટીના ગેટ પાસે બેઠા હતા. દરમિયાન સોસાયટીમાં રહેતો અખિલેશ ઉર્ફે પિંકેશ યાદવ, અજય યાદવ અને સંતોષ કાળુ ત્યાં પહોંચ્યા હતા. બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ દરમિયાન અખિલેશ ઉર્ફે પિંકેશ યાદવે ફાયરિંગ કરતાં નયન પાટીલના પગમાં ગોળી વાગી હતી.

ફાયરિંગના અવાજથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત નયન પાટીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી સાહિલ મકવાણા અને સંતોષ કાળુની ધરપકડ કરી છે. જ્યારે ફાયરિંગ કરનાર અખિલેશ ઉર્ફે પિંકેશ યાદવ હથિયાર સાથે ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. નયન પાટીલ અને અખિલેશ ઉર્ફે પિંકેશ યાદવ અગાઉથી મિત્રો અને બંને સામે અગાઉ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કોઈ ગુનાના કેસમાં બંને જેલમાં હતા ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત બંને વચ્ચે ચાલી રહી હતી.

સોમવારે રાત્રે નયન પાટીલ અને તેનો મિત્ર સાહિલ મકવાણા જૂનો વિવાદ ઉકેલવા અખિલેશના ઘરે ગયા હતા. જોકે અખિલેશ ઘરે મળી આવ્યો નહોતો. જેથી બંને સોસાયટીના ગેટ પાસે બેસી રહ્ના હતા અને બાદમાં અખિલેશને ફોન કરીને ત્યાં બોલાવ્યો હતો. અખિલેશ ત્યાં પહોંચ્યા બાદ બંને પક્ષ વચ્ચે ફરીથી બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને અંતે ફાયરિંગ સુધી પહોંચી ગયો હતો. હાલ નયન પાટીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ પોલીસે ફરાર અખિલેશ ઉર્ફે પિંકેશ યાદવને હથિયાર સાથે ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande