
ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગરથી આશરે 30 કિલોમીટર દૂર કોળિયાક ગામના દરિયાકાંઠે સમુદ્રની વચ્ચે બિરાજમાન નિષ્કલંક મહાદેવનું સ્થાન ધાર્મિક અને પૌરાણિક દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. અહીં ભવ્ય મંદિર નહીં હોવા છતાં ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. ઓટના સમયે દરિયાનું પાણી દૂર થતાં ભક્તો આશરે એક કિલોમીટર સુધી દરિયામાં પગપાળા ચાલીને શિવલિંગના દર્શન કરવા પહોંચે છે.
નિષ્કલંક મહાદેવની વિશેષતા એ છે કે દિવસમાં બે વખત ઓટના સમયે શિવલિંગ દરિયાના પાણીમાંથી બહાર આવે છે. જ્યારે ભરતી આવે ત્યારે સમુદ્રનું પાણી ફરી શિવલિંગને પોતાના પ્રવાહમાં સમાવી લે છે. આ દૃશ્ય ભક્તો માટે જાણે ભગવાન શિવનો સ્વયં જળાભિષેક થતો હોય તેવી આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે.
પાંડવો સાથે જોડાયેલી કથા
લોકવાયકા મુજબ મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પર લાગેલા કલંકમાંથી મુક્તિ મેળવવા ભગવાન શ્રીકૃષ્ણે તેમને પવિત્ર સ્થળ શોધવાની સલાહ આપી હતી. પાંડવો કોળિયાકના દરિયાકાંઠે પહોંચ્યા ત્યારે તેમની ધજા સફેદ થઈ હોવાનું કહેવાય છે. ત્યારબાદ તેમણે અહીં સમુદ્રસ્નાન કરી ભગવાન શિવની પૂજા કરી હતી.
માન્યતા મુજબ પાંડવોની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને દર્શન આપ્યા હતા. પાંડવોએ બનાવેલા પાંચ શિવલિંગ આજે પણ અહીં બિરાજમાન હોવાની લોકમાન્યતા છે.
ખાસ કરીને ભાદરવી અમાસે અહીં વિશાળ મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સમુદ્રસ્નાન કરી નિષ્કલંક મહાદેવના દર્શન કરે છે. સમુદ્ર, શ્રદ્ધા અને પૌરાણિક આસ્થાનો સંગમ ધરાવતું આ ધામ આજે પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA