
- 3 દિવસીય સત્ર દરમિયાન ત્રણ બેઠકમાં 18 કલાક 32 મિનિટ સુધી અર્થપૂર્ણ કામગીરી હાથ ધરાઈ
ગાંધીનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : 15મી ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર એટલે કે ત્રણ દિવસીય ચોમાસું સત્ર અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં અને લોકહિતના કાર્યો સાથે સફળતાપૂર્વક અને અર્થપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સત્રની સફળ સમાપ્તિ બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પક્ષ-વિપક્ષના તમામ માનનીય ધારાસભ્યો તેમજ સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રવક્તા મંત્રીએ ત્રણ દિવસીય ચોમાસું સત્ર દરમિયાન ગૃહમાં થયેલી વિવિધ કામગીરી વિગતવાર રજૂ કરતા કહ્યું હતું કે, આ સત્ર દરમિયાન સભાગૃહની કુલ ૩ બેઠકો મળી હતી. જેમાં કુલ ૧૮ કલાક અને ૩૨ મિનિટ સુધી લોકહિતની વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં, કુલ બાવન (૫૨) ધારાસભ્યશ્રીઓ દ્વારા જુદી જુદી ચર્ચાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી કે, માત્ર બે જ દિવસમાં રાજ્યના વિકાસ અને પ્રજાકલ્યાણ લક્ષી કુલ ૭ સરકારી વિધેયકો વિધાનસભા ગૃહ પસાર કરવામાં આવ્યા છે, જે લોકહિતના કાર્યોમાં સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં, નિયમ-૪૪ અન્વયે જાહેર અગત્યની બાબત પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સભાગૃહમાં નિવેદન આપવામાં આવ્યું હતું.
આટલું જ નહીં, સત્રના છેલ્લા દિવસે નિયમ-૧૦૨ હેઠળ જનજાતીય કલ્યાણ યોજના પર ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નિયમ-૧૧૬ હેઠળ જાહેર અગત્યની બાબત પર મંત્રીશ્રી દ્વારા નિવેદન પણ આપવામા આવ્યું હતું. સત્ર દરમિયાન સ્વર્ગસ્થ થયેલા ૫ મહાનુભાવો પ્રત્યે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગૃહના પ્રશ્નોત્તરી કાળમાં સભાગૃહમાં મૌખિક જવાબો માટે કુલ ૧,૩૫૬ તારાંકિત પ્રશ્નો રજૂ થયા હતા, જે પૈકી ૨૯ પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા હાથ ધરાઈ હતી. ઉપરાંત, કુલ ૧૫૨ અતારાંકિત પ્રશ્નો મળ્યા હતા અને નિયમ-૮૭(ક) હેઠળ ૮૮ અતારાંકિત પ્રશ્નો મેજ પર મૂકવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લોકશાહીની આ પ્રક્રિયા અને ગૃહની કામગીરી નિહાળવા માટે રાજ્યભરમાંથી કુલ ૫,૨૪૬ જેટલા પ્રેક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી.
આ ત્રણ દિવસીય સત્રમાં જુદી જુદી સમિતિઓના ૫ અહેવાલો ગૃહ સમક્ષ રજૂ થયા હતા. સરકારી કંપનીઓ, બોર્ડ અને કોર્પોરેશનોના ૨૩ અહેવાલો તથા ૧ અંદાજપત્ર ગૃહના મેજ પર મૂકવામાં આવ્યું હતું. કુલ ૬૯ અધિસૂચનાઓ, ૨ વટહુકમ, ૧ બાંહેધરી પત્રક તેમજ જલ જીવન મિશન પર CAG નો ઓડિટ અહેવાલ પણ ગૃહના મેજ પર મૂકાયો હતો.
આ ઉપરાંત, રાષ્ટ્રપતિની અનુમતિ મળેલ ૧ વિધેયક તથા રાજ્યપાલની અનુમતિ મળેલ ૫ વિધેયકો પણ મેજ પર મૂકવામાં આવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ