
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)રાજપુરના અંબાજી માતાજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલાઈ; સાંજે ભોજન પ્રસાદમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
સિદ્ધપુર તાલુકાના રાજપુર ગામમાં આવેલા અંબાજી માતાજી મંદિર પરિસરમાં મંગળવારે ઋષિ પંચમી નિમિત્તે યજ્ઞોપવીત બદલવાનો ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધાભેર યોજાયો હતો. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં મોટી સંખ્યામાં ગામલોકો અને ભાવિકોએ ભાગ લીધો હતો.
રાજપુરના અંબાજી માતાજી મંદિર ખાતે વિષ્ણુપ્રસાદ જોશી પરિવાર દ્વારા છેલ્લા અંદાજે 55થી 60 વર્ષથી ઋષિ પંચમીના પવિત્ર દિવસે યજ્ઞોપવીત બદલવાની પરંપરા નિભાવવામાં આવે છે. આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવાની ધાર્મિક પ્રક્રિયા કરવામાં આવી હતી.
વિષ્ણુપ્રસાદ જોશી દ્વારા શરૂ કરાયેલી આ પરંપરાને હવે તેમના પુત્ર હર્ષદ જોશી અને સમગ્ર પરિવારે આગળ વધારી છે. પરિવારના સભ્યોએ ધાર્મિક વિધિ પૂર્ણ કરીને પરંપરાને યથાવત્ જાળવી રાખી હતી.
ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ સાંજે 6:15 કલાકે મંદિર પરિસરમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસાદમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો અને ગામજનોએ ભાગ લઈ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ