
ગીર સોમનાથ 15 સપ્ટેમ્બર (હિ.સ.) ગીરસોમનાથ જિલ્લામાં લાંબા સમયના વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નદી-નાળા ફરી વહેતા થયા છે.
છેલ્લા 24 કલાકમાં, સવારે 6 વાગ્યા સુધીમાં, જિલ્લામાં 22થી 138 MM સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉના તાલુકામાં 138 MM (સાડા 5 ઈંચ) અને તાલાલામાં 98 MM (4 ઈંચ) નોંધાયો છે.
જિલ્લાના વરસાદના આંકડા મુજબ, ગીરગઢડામાં 22 MM, વેરાવળમાં 31 MM, સુત્રાપાડામાં 36 MM, કોડીનારમાં 69 MM, તાલાલામાં 98 MM અને ઉનામાં 138 MM વરસાદ પડ્યો છે.
ખાસ કરીને ઉના-ગીરગઢડા અને તાલાલા-ગીર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે રહ્યું છે. તાલાલાના ઉમરેઠી ગામ પાસે આવેલા હિરણ-2 ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 24 કલાકમાં સાડા 5 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખીરધાર અને ધણેજ પાસેથી પસાર થતી આંબાકુઈ નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના પાણીથી તાલાલા-ખીરધાર રસ્તો બંધ થઈ ગયો છે. આંબાકુઈ નદીનું પાણી ગલીયાવાડ પાસે હિરણ નદીમાં ભળીને હિરણ-2 ડેમ તરફ પહોંચી રહ્યું છે, જેનાથી ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. હિરણ-1 કમલેશ્વર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ લગભગ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
સાસણ સહિત ગીર જંગલ વિસ્તારમાં બધે વરસાદ વરસ્યો છે. ઘુશિયા, માલજીંજવા, ઉમરેઠી, પીપળવા, આંબળાશ, ગુંદરણ, બોરવાવ, ધાવા, વીરપુર, ગલીયાવાડ, રમરેચી, જેપુર, ખીરધાર અને ધણેજ સહિતના ગામોમાં પણ સારો વરસાદ થયો છે. સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા, વડોદરા, લોઢવા, વાવડી, બાવાની વાવ અને પ્રાચી સહિતના ગામોમાં પણ વરસાદી વાતાવરણ હતું. જ્યારે ઉના તાલુકાના નાંદરખ, મોઠા, આમોદ્રા, સનખડા, ગાંગડા, રામેશ્વર, સામતેર અને કેસરિયા સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
લાંબા વિરામ પછી થયેલા આ વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસ સહિતના ઉભા પાકને ઘણો ફાયદો થવાની આશા છે. ખાસ કરીને ગીરગઢડા તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો વરસાદ ઓછો હોવાથી ખેડૂતો ચિંતિત હતા. હવે વરસાદથી ખેતીને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ