
સુરત, 15 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના નાનપુરા વિસ્તારમાં T&TV હાઈસ્કૂલ સામે આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા 84 વર્ષીય આમેનાબેનની તેમના જ ફ્લેટમાં હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આમેનાબેન તેમની બહેન સાથે મુંબઈ જવાના હોવાથી સોમવારે સવારે સાડા 9 વાગ્યે કપડાં પેક કરવા પોતાના ફ્લેટ પર ગયા હતા. બપોરે 2:40 વાગ્યે બહેન સાથે તેમની છેલ્લી વાતચીત થઈ હતી. ત્યારબાદ તેઓ ઘરે પરત ન આવતા અને મોબાઈલ પણ બંધ આવતાં બહેન ફ્લેટ પર પહોંચ્યા હતા. દરવાજાને બહારથી તાળું લાગેલું હોવાથી ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલતાં અંદર આમેનાબેનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં અઠવાલાઇન્સ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે માથાના ભાગે પણ તીક્ષ્ણ હથિયાર જેવા સાધનથી ગંભીર ઈજા કરવામાં આવી હતી. હુમલામાં તેમની છાતીની પાંસળી તૂટી હોવાનું પણ જાણવા મળ્યું છે. હત્યા બાદ આરોપી વૃદ્ધાનો મોબાઈલ લઈ ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ઉપરાંત ફ્લેટને બહારથી તાળું મારવામાં આવ્યું હોવાથી હત્યારાને વૃદ્ધા સાથે ઓળખાણ હોવાની શક્યતા પોલીસ તપાસી રહી છે.
આમેનાબેનના પતિનું આશરે 40 વર્ષ પહેલાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું, જ્યારે તેમના એકમાત્ર પુત્ર શબ્બીરનું વર્ષ 2017માં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ત્યારથી તેઓ એકલા રહેતા હતા. છેલ્લા દોઢ મહિનાથી તેઓ નજીકમાં રહેતી તેમની 71 વર્ષીય બહેનના ઘરે રહેતા અને દરરોજ પોતાના ફ્લેટે જતા હતા. બિલ્ડિંગમાં CCTV કેમેરા ન હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. સિક્યુરિટી ગાર્ડ, ઘરકામ માટે આવતા લોકો તથા આસપાસના રહેવાસીઓની પૂછપરછ કરી પોલીસ આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે