
જામનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના માત્ર ૯ વર્ષીય બાળ પર્વતારોહક વિહાન ચેતરિયાએ હિમાલયમાં આવેલું ૬,૧૧૧ મીટર (૨૦,૦૪૯ ફૂટ) ઊંચું કઠિન માઉન્ટ યુનામ શિખર સફળતાપૂર્વક સર કરીને સાહસ ક્ષેત્રે એક અનોખો અને નોંધપાત્ર ઇતિહાસ રચ્યો છે. ૧૦ સપ્ટેમ્બરે 'બિકાટ એડવેન્ચર્સ' દ્વારા આયોજિત પર્વતારોહણ અભિયાન અંતર્ગત વિહાને આ કઠિન સિદ્ધિ મેળવી હતી. ૬,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર સફળતાપૂર્વક આરોહણ કરનાર તે વિશ્વનો બીજા નંબરનો સૌથી નાની વયનો પર્વતારોહક બની ગયો છે. જામનગર અને સમગ્ર ગુજરાત માટે આ અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે.
અત્યંત ગંભીર ઠંડી, પ્રાણવાયુ (ઓક્સિજન)ની અછત અને પહાડી પ્રદેશની વિકટ ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે પણ વિહાને પોતાની અદમ્ય દ્રઢ ઇચ્છાશક્તિ, શારીરિક સક્ષમતા અને માનસિક મજબૂતીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. શિખર પર પહોંચીને વિહાને ગર્વથી ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો અને 'જય જય ગરવી ગુજરાત'નું બેનર લહેરાવ્યું હતું. આ અદ્ભુત સિદ્ધિ તેણે દેશના પર્વતારોહણ ક્ષેત્ર પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતા NIMSDAIને સમર્પિત કરી છે.
વિહાનના માતા-પિતા ડો. ઉમેદ ચેતરિયા અને દક્ષા ચેતરિયાના જણાવ્યા અનુસાર, વિહાનને બાળપણથી જ ટ્રેકિંગ અને પ્રકૃતિ પ્રત્યે ઊંડો રસ રહ્યો છે. આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ અને સ્ક્રીન ટાઈમની ટેવ છોડીને પ્રકૃતિ, રમતના મેદાન અને સાહસિક પ્રવૃત્તિઓ તરફ વળે તેવો મુખ્ય સંદેશ આ સાહસ પાછળ રહેલો છે. બાળપણને વ્યસન નહીં, સાહસ જોઈએ ના મંત્ર સાથે જામનગરના આ નાના પર્વતારોહકે સમગ્ર દેશના બાળકોને આઉટડોર રમતો અને પડકારજનક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt