
સુરત, 15 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના કાપોદ્રા વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 30 વર્ષીય નર્સે ડેડિયાપાડાના SRP જવાન વિજ્ઞેશ વસાવા સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બંને વચ્ચે અગાઉ પ્રેમસંબંધ હતો અને લગ્નની વાત પણ ચાલી હતી. જોકે, સંબંધોમાં ખટાશ આવતા બંને સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન કરીને અલગ થઈ ગયા હતા. સમાધાન સમયે વિજ્ઞેશને યુવતી સાથેના અંગત ફોટા, વીડિયો અને મેસેજ ડિલીટ કરવાની શરત મૂકવામાં આવી હતી. તેમ છતાં તેણે જૂના ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ફરીથી યુવતીને સંપર્ક કરી દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ અનુસાર, 1 મેના રોજ સુરતમાં બંદોબસ્ત માટે આવેલા વિજ્ઞેશે નર્સને મળવા બોલાવી હતી. યુવતીએ ઇનકાર કરતાં હોસ્પિટલમાં આવી હોબાળો કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે. બદનામીના ભયથી યુવતી તેની સાથે જવા મજબૂર બની હતી. ત્યારબાદ આરોપી તેને લાલદરવાજા વિસ્તારમાં આવેલા એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો, જ્યાં અંગત તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે યુવતીએ હિંમત કરીને કાપોદ્રા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની ફરિયાદના આધારે SRP જવાન વિજ્ઞેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ બંને વચ્ચે આશરે ત્રણ વર્ષ સુધી સંબંધ રહ્યા હોવાનું સામે આવ્યું છે. સંબંધનો અંત લાવતી વખતે સમાજની પંચાયત દ્વારા વિજ્ઞેશને ₹8 લાખનો દંડ કરવામાં આવ્યો હતો, જેમાંથી ₹5.30 લાખ ચૂકવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે હવે આરોપીની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનામાં અન્ય હકીકતોની તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે