
ભાવનગર 15 સપ્ટેમ્બર (હિ.સ.) મુસાફરોનો છૂટેલો સામાન સુરક્ષિત રીતે પરત મેળવી તેને તેના વાસ્તવિક માલિક સુધી પહોંચાડવા પ્રત્યેની પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવતા ભાવનગર મંડળના વેરાવળ RPF પોસ્ટ દ્વારા ઓપરેશન અમાનત અંતર્ગત એક મુસાફરનો આશરે ₹1.28 લાખની કિંમતનો Ray-Ban Meta કંપનીના ચશ્માં સુરક્ષિત રીતે શોધી કાઢી મુસાફરને પરત સોંપવામાં આવ્યા.
દિનાંક 14 સપ્ટેમ્બર 2026ના રોજ ટ્રેન નંબર 22957 ગાંધીનગર–વેરાવળના કોચ નંબર A/1માં મુસાફરી દરમિયાન મુસાફર શ્રી રવિ વેંકટ કૃષ્ણન (ઉંમર 56 વર્ષ)નો કાળા રંગનો Ray-Ban Meta ચશ્માં સીટ પર છૂટી ગયા હતા. મુસાફરે આ અંગે રેલ મદદ મારફતે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ પ્રાપ્ત થતાં જ વેરાવળ RPFના SIPF શ્રી ધૈર્ય સિંહ મીણાએ તાત્કાલિક કાર્યવાહી કરતાં રેલ મદદમાં ઉપલબ્ધ મોબાઇલ નંબર પર મુસાફરનો સંપર્ક કર્યો અને મુસાફરી અંગે જરૂરી માહિતી મેળવી. મુસાફરે જણાવ્યું હતું કે તેમણે ગાંધીનગરથી વેરાવળ સુધી A/1 કોચની સીટ નંબર 09 પર મુસાફરી કરી હતી અને ઉતાવળમાં તેમનો ચશ્મો સીટ પર જ છૂટી ગયો હતો.
પ્રાપ્ત માહિતીના આધારે RPF દ્વારા તાત્કાલિક તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી, જેના પરિણામે મુસાફર દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર કાળા રંગનો Ray-Ban Meta ચશ્મો મળી આવ્યા. ત્યારબાદ મુસાફરને ચશ્મો મળી આવ્યો હોવાની જાણ કરવામાં આવી અને તેને વેરાવળ RPF પોસ્ટ પરથી ચશ્મો મેળવી જવા માટે જાણ કરવામાં આવી.
મુસાફર RPF પોસ્ટ પર હાજર થતાં જરૂરી ચકાસણી અને કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આશરે ₹1.28 લાખની કિંમતનો ચશ્મો સુરક્ષિત રીતે તેના વાસ્તવિક માલિકને સોંપવામાં આવ્યો. પોતાનો કિંમતી સામાન સુરક્ષિત રીતે પરત મળતાં મુસાફરે ભાવનગર મંડળ RPFની ઝડપી કાર્યવાહી અને સહકારની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો.
આ સરાહનીય કામગીરી બદલ મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, દિનેશ વર્માએ RPF કર્મચારીઓની સતર્કતા, તત્પરતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી. મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ RPF દ્વારા મુસાફરોની મદદ તેમજ તેમના છૂટેલા સામાનની સુરક્ષિત રીતે શોધખોળ અને પરત સોંપવા માટે સતત અસરકારક અને સંવેદનશીલ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મુસાફરોનો છૂટેલો સામાન સુરક્ષિત રીતે તેના વાસ્તવિક માલિક સુધી પહોંચાડવો એ રેલવેની મુસાફર સેવા, સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ભાવનગર મંડળ મુસાફરોની સુરક્ષિત, સુખદ અને સુવિધાજનક રેલ મુસાફરી સુનિશ્ચિત કરવાની સાથે રેલવે પરિસરમાં માનવીય સંવેદનાઓ અને મુસાફર હિતો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પશ્ચિમ રેલવે મુસાફરોની સેવા, સુરક્ષા અને વિશ્વાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સતત તત્પરતા સાથે કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ