નવસારીના ગોલવાડમાં ગિફ્ટ શોપમાં આગ: ACમાં સ્પાર્ક બાદ પહેલા માળે આગ ભભૂકી
નવસારી, 15 સપ્ટેમ્બર (હિ.સ.): નવસારીના ગોલવાડ વિસ્તારમાં શનિવારે ‘સ્માઈલ ગિફ્ટ એન્ડ આર્ટિકલ’ નામની દુકાનમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. શહેરના વ્યસ્ત માર્ગ પર આવેલી દુકાનના ACમાં શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક ત
Fire at Navsari Gift Shop


નવસારી, 15 સપ્ટેમ્બર (હિ.સ.): નવસારીના ગોલવાડ વિસ્તારમાં શનિવારે ‘સ્માઈલ ગિફ્ટ એન્ડ આર્ટિકલ’ નામની દુકાનમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. શહેરના વ્યસ્ત માર્ગ પર આવેલી દુકાનના ACમાં શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. થોડી જ વારમાં આગે પહેલા માળને લપેટમાં લઈ લીધો હતો.

આગના કારણે પહેલા માળે વેચાણ અને સ્ટોરેજ માટે રાખવામાં આવેલા વિવિધ ગિફ્ટ આર્ટિકલ્સ બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ લગભગ 10 જવાનો અને બે ફાયર વાહનો સાથે સ્થળ પર પહોંચી હતી. ભારે ટ્રાફિક વચ્ચે જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આશરે એક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

સમયસર ફાયર વિભાગે કામગીરી હાથ ધરતા આગ નજીકની અન્ય દુકાનો સુધી ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનામાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી, જોકે દુકાનમાં રાખેલો સામાન બળી જતાં વેપારીને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande