
ગીર સોમનાથ, 15 સપ્ટેમ્બર (હિ. સ.)
પ્રાચી તીર્થ: પ્રાચી તીર્થ ખાતે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે તા. 18 સપ્ટેમ્બર, 2026ના શુક્રવારે શ્રી કોળી સમાજ ભવન, પ્રાચી તીર્થ ખાતે 126મો શ્રી સદ્દગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ યોજાશે. આ સાથે હાડકાં-સાંધા, દાંત તથા જનરલ ચેકઅપ માટે પણ વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સેવાભાવી તબીબો તથા સ્ટાફ દ્વારા આંખોની તપાસ કરવામાં આવશે. જ્યારે હાડકાં-સાંધાના નિદાન માટે હાડવૈદ્ય હમીરભાઈ પ્રાચી, જનરલ ચેકઅપ માટે ડો. રોહિતભાઈ પટેલ સાવલિયા અને દાંતના નિદાન માટે ડો. ચિરાગભાઈ પ્રાચી સેવા આપશે.
કેમ્પ દરમિયાન આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાત જણાય તેવા મોતીયાના દર્દીઓને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટની બસ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવશે. ત્યાં આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું મોતીયાનું ઓપરેશન તથા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) વિનામૂલ્યે આપવામાં આવશે.
ઓપરેશન માટે હોસ્પિટલ લઈ જવાતા દર્દીઓ માટે રહેવા, જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા-પાણી, નાસ્તો, ચશ્માં, દવા તથા આંખના ટીપાંની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવશે. ઓપરેશન પૂર્ણ થયા બાદ દર્દીઓને ફરી કેમ્પના સ્થળે પરત લાવવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત કેમ્પમાં આવતા દર્દીઓને અન્ય કોઈ બિમારી કે આરોગ્ય સંબંધિત તકલીફ હોય તો તેનું પણ જરૂરી નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે. દર્દીઓને કોઈ અગવડ ન પડે તે માટે કેમ્પ આયોજકો તથા હોસ્પિટલ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વિનામૂલ્યે આરોગ્ય સેવા કેમ્પનો વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. કેમ્પમાં આવતા દરેક દર્દીએ આધાર કાર્ડની ત્રણ ઝેરોક્ષ નકલો ફરજિયાત સાથે લાવવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ