
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના બોગસ ઉત્તરવહી કૌભાંડમાં નાપાસ MBBS વિદ્યાર્થી રાજદીપ નાનજીભાઈ કોડીયાતરની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. રાજદીપ હાલ અટકાયત હેઠળ છે.
કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ, MBBS પ્રથમ વર્ષમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની અસલી ઉત્તરવહીઓ ગાયબ કરી નવી ઉત્તરવહીઓ લખાવવામાં આવી હતી. પાટણના સુભાષચોક વિસ્તારમાં રૂ. 50 હજારના ખર્ચે ઉત્તરવહીઓ લખાવી ખોટા માર્ક્સ વધારી વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા હોવાનો આરોપ છે.
આ કૌભાંડમાં સીનિયર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું રચાયું હોવાની તપાસમાં વિગતો સામે આવી છે. બોગસ રીએસેસમેન્ટ કાર્ડ બનાવી યુનિવર્સિટી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે.
રાજદીપના વકીલે દલીલ કરી હતી કે ઘટના સમયે તે માત્ર વિદ્યાર્થી હતો અને મુખ્ય ભૂમિકા સીનિયર વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટી કર્મચારીઓની હતી. ફરિયાદમાં 6 વર્ષનો વિલંબ અને અન્ય સહ-આરોપીને હાઈકોર્ટમાંથી મળેલા જામીનનો હવાલો આપી સમાનતાના સિદ્ધાંત હેઠળ જામીન માંગવામાં આવ્યા હતા.
સરકારી વકીલ S.H. ઠક્કરે જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આરોપીએ પોતે કૌભાંડનો સીધો લાભ લીધો છે અને નવી ઉત્તરવહીઓ લખાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તપાસ ચાલુ હોવાથી જામીન ન આપવા કોર્ટને રજૂઆત કરાઈ હતી.
સેશન્સ જજ H.S. મુલીયાએ બંને પક્ષોની દલીલો અને તપાસ અધિકારીના સોગંદનામાને ધ્યાનમાં લીધા બાદ જામીન અરજી ફગાવી દીધી. કોર્ટે નોંધ્યું કે અરજદાર કૌભાંડનો સીધો લાભ લેનાર વિદ્યાર્થી છે અને તેની સામે પ્રાથમિક પુરાવા ઉપલબ્ધ છે. ગંભીર ગુનો તથા તબીબી શિક્ષણ ક્ષેત્રે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને જામીન નામંજૂર કરાયા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ