
કચ્છ, 15 સપ્ટેમ્બર (હિ.સ.) : અંજાર શહેરમાં વાહનચોરીના ગુનાઓને અટકાવવા અને ચોરી થયેલા વાહનો શોધી કાઢવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ત્રણ શંકાસ્પદ મોટરસાઇકલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અંજાર અને ભચાઉ વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ રૂ.75 હજારની કિંમતના ત્રણ વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા વાહનચોરીના ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગ તેમજ તપાસની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસ સ્ટાફ અંજારના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
પેટ્રોલિંગ દરમિયાન ગંગાનાડા વિસ્તાર નજીક શરદ ભરતભાઈ કોલી નામનો શખ્સ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. પોલીસને અગાઉથી બાતમી મળી હતી કે, શખ્સ ચોરી કરાયેલા વાહનોની નંબર પ્લેટ કાઢીને તેને પોતાના રહેણાંક સ્થળની પાછળ સંતાડતો હોવાની માહિતી હતી. જેના આધારે પોલીસે તેની અટકાયત કરી તેની પાસે રહેલા વાહનો અંગે પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે તપાસ કરતાં તેની પાસેથી ત્રણ મોટરસાઇકલ મળી આવી હતી. જેમાં એક સ્પ્લેન્ડર મોટરસાઇકલનો રજીસ્ટ્રેશન નંબર GJ-36-AA-0694 હોવાનું જાણવા મળ્યું હતું. બીજી વાદળી રંગની સ્પ્લેન્ડર બાઇક પર આગળ-પાછળ કોઈ નંબર પ્લેટ નહોતી અને તેનો ચેસિસ નંબર MBLHAR085J5E00976 હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે ત્રીજી કાળા રંગની જૂની હન્ક હન્ટર મોટરસાઇકલ પણ નંબર પ્લેટ વગરની મળી આવી હતી, જેના એન્જિન નંબર KC13ED9GG03028 હોવાનું સામે આવ્યું છે.
પૂછપરછ દરમિયાન શરદ કોલીએ આ ત્રણેય વાહનો અંજાર તથા ભચાઉ વિસ્તારમાંથી અલગ-અલગ સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે. તપાસમાં અંજાર પોલીસ સ્ટેશનમાં વાહનચોરી અંગેનો ગુનો પણ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ત્રણેય વાહનોને BNSSની કલમ 106 હેઠળ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઝડપાયેલા શખ્સનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે, જેમાં જુગારધારા તથા અન્ય ગુનાનો સમાવેશ થાય છે.
આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ-ઇન્સપેક્ટર એસ.જી. વાળા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની પૂછપરછના આધારે અન્ય વાહનચોરીના ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar