
વલસાડ, 15 સપ્ટેમ્બર (હિ.સ.) નાનાપોંઢા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લવાછા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના મુદ્દામાલ પૈકી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 42,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ગત તા. 11 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 12:30થી રાત્રે 8 વાગ્યા દરમિયાન લવાછા ગામે વાપી-સેલવાસ રોડ પર અનાજ બજાર સામે ગૌતમભાઈની ચાલમાં રહેતા સુરેન્દ્ર માનેકલાલ ચૌહાણના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યા બાદ કબાટનું લોકર તોડી સોના-ચાંદીના દાગીના રૂ. 1,17,000, રોકડા રૂ. 15,000 તથા રસોડા પાસે રાખેલા બે HP ગેસ સિલિન્ડર રૂ. 4,000, મળી કુલ રૂ. 1,36,000ની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.
આ અંગે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક **યુવરાજસિંહ જાડેજા (IPS)**ની સૂચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભારગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. કાતરીયાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ટીમોએ બનાવ સ્થળ તથા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારતા ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ઓળખ થઈ હતી. પોલીસે તા. 13 સપ્ટેમ્બરના રોજ (1) વિજયબહાદુર ઉર્ફે ગુડ્ડ શ્રીરામ સરોજ, (2) સતિષકુમાર દિનેશ ઓમકારનાથ સરોજ અને (3) મનીષ ઉર્ફે આનંદ બહાદુર હરીલાલ પાસીને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ પૈકી સોના-ચાંદીના દાગીના કિંમત રૂ. 28,000 તથા રોકડા રૂ. 14,600, મળી કુલ રૂ. 42,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓને કપરાડા કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યો છે. ચોરીમાં ગયેલા બાકી મુદ્દામાલની રિકવરી માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી નાનાપોંઢા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. કાતરીયા, પો.સ.ઈ. આર.બી. પરમાર સહિત પોલીસ ટીમે સંયુક્ત પ્રયાસોથી પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha