
જામનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર શહેરમાં આશરે દોઢ મહિનાના લાંબા વિરામ બાદ ગઈકાલે મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે. રાત્રિના સમયે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સવાર સુધીમાં ક કુલ પોણા છ ઈંચ (5.75 ઈંચ) જેટલું પાણી વરસી ગયું હતું. ખાસ કરીને મધરાતે ૨ થી ૪ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ ૪ ઈંચ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો પરથી નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા. આ ભારે વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી અસહ્ય બફારા તથા ગરમીથી અકુળાઈ રહેલા નગરજનોએ ભારે રાહત અનુભવી છે.
લાંબા સમયના દુષ્કાળ જેવા માહોલ અને પીવાના પાણીની કટોકટી વચ્ચે ભાદરવા માસમાં થયેલા આ નોંધપાત્ર વરસાદથી નાગરિકો સહિત સ્થાનિક તંત્રમાં પણ ભારે આશાનો સંચાર થયો છે. જોકે, મધરાતે પડેલા મુસળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ત્રણ ઈંચથી લઈને એક ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે અનેક માર્ગો જળમગ્ન બન્યા હતા અને વાહનચાલકોને વહેતા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. તાજેતરમાં જ જળાશયોમાં 'સૌની યોજના' મારફત નર્મદાના નીર પહોંચાડવાનું આયોજન હાથ ધરાયું હતું, ત્યારે આ કુદરતી મહેરબાનીથી શહેર પર તોળાતું પીવાના પાણીનું સંકટ દૂર થવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે. હાલ પણ આકાશ વાદળછાયું હોય, વધુ વરસાદની સંભાવના છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt