
મહેસાણા, 15 સપ્ટેમ્બર 2026 (હિ.સ.) – મહેસાણા શહેરના પકવાન ડાઇનિંગ હોલ પાસે 30 ઓગસ્ટની રાત્રે ફોર્ચ્યુનર કારને સ્કોર્પિયો ગાડીઓથી પીછો કરી ટક્કર મારી પિસ્ટલ જેવા હથિયારથી ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી કેસમાં મહેસાણા પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત વધુ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 દેશી હથિયાર અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 2 સ્કોર્પિયો તથા 1 બલેનો કાર સહિત કુલ રૂ.20.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસ દરમિયાન હોટલ, ઢાબા, ફાર્મ હાઉસ અને વિવિધ રૂટના CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ હતી. આરોપીઓના લોકેશન હરિદ્વારથી નેપાળ બોર્ડર સુધી બદલાતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ 13 સપ્ટેમ્બરની મોડી રાત્રે મુખ્ય આરોપી જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા સોલંકી સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ પૂછપરછમાં મુખ્ય આરોપી દ્વારા દેશી પિસ્તલથી ફાયરિંગ કરાયું હોવાનું અને અન્ય આરોપી જીગ્નેશસિંહ ઉર્ફે જીગરસિંહ પાસે દેશી કટ્ટો હોવાનું સામે આવ્યું હતું. બંને હથિયારો કટોસણની સીમમાં ઝાડી-ઝાંખર અને રોડના ગરનાળામાં સંતાડેલા હોવાનું જણાતા પોલીસે કબજે કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં નવઘણ નામના વ્યક્તિ સાથેના જૂના મનદુઃખના કારણે ફરિયાદી તેને સાથ આપતો હોવાની શંકામાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR