
મહેસાણા, 15 સપ્ટેમ્બર 2026 (હિ.સ.) – મહેસાણા-મોઢેરા રોડ પર રણેલા ગામ ખાતે આવેલ જૂના બ્રિજને તોડી તેની જગ્યાએ નવિન બ્રિજના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), મહેસાણા દ્વારા સરકારની મંજૂરી બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ પર વધતા વાહનવ્યવહાર અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જૂના બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.
જૂના બ્રિજને તોડી પાડવાની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે. બ્રિજના વિવિધ ભાગો દૂર કર્યા બાદ તેની જગ્યાએ નવિન બ્રિજના નિર્માણનું કામ પ્રગતિ હેઠળ છે.
બ્રિજની કામગીરી દરમિયાન વાહનચાલકોને અગવડતા ન પડે અને વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે. જૂના બ્રિજ પરથી પસાર થતો ટ્રાફિક બાજુમાં આવેલા નવિન બ્રિજ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સ્થળ પર ડાયવર્ઝન બોર્ડ, દિશાસૂચક ચિહ્નો, બેરિકેડિંગ અને જરૂરી રોડ માર્કિંગ કરવામાં આવ્યા છે.
બાંધકામ સ્થળે વાહનચાલકોની સલામતી માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. નવો બ્રિજ તૈયાર થયા બાદ રણેલા તથા આસપાસના વિસ્તારના સ્થાનિકો અને મહેસાણા-મોઢેરા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને વધુ સુગમ અને સલામત વાહનવ્યવહારની સુવિધા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR