
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 વર્ષ જૂના ક્રિકેટ સટ્ટા કેસમાં નાસતો ફરતો પાટણનો મુખ્ય આરોપી કમલેશ ઠક્કર ઉર્ફે કે.ટી. જાપાનને પાટણ LCB ટીમે લીલીવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પૂછપરછ બાદ તેને આણંદ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
માર્ચ 2022માં IPL મેચ દરમિયાન આણંદ-વિદ્યાનગર રોડ પર કારમાં બેસીને ‘પર્લ 999’ અને ‘ક્રિકેટ લાઈન ગુરુ’ એપથી ઓનલાઈન સટ્ટો રમાડતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. તેમની પાસેથી રૂ. 1.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
તપાસમાં સટ્ટાની હાર-જીતનો હિસાબ પાટણના કમલેશ ઠક્કર અને રવી ઠક્કરને આપવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. બંને સટ્ટાનું નેટવર્ક ચલાવવામાં મદદ કરતા હોવાનો આરોપ છે. ત્યારથી કમલેશ અને રવી ફરાર હતા.
પાટણ LCBને બાતમી મળતાં લીલીવાડીની આસોપાલવ હોટેલના પાર્કિંગ પાસેથી કમલેશ ઉર્ફે કે.ટી. જાપાનની ધરપકડ કરાઈ હતી. તેની સામે અગાઉ પણ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયેલો છે. સહ-આરોપી રવી ઠક્કરને ઝડપી પાડવા પોલીસે તપાસ ચાલુ રાખી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ