

પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં આગામી તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસે ‘રેડ એલર્ટ સ્કીમ’ લાગુ કરી હતી. આ અંતર્ગત શહેરના પ્રવેશદ્વાર અને અંદરના 8 મુખ્ય પોઇન્ટ પર પોલીસ કાફલો તૈનાત કરી વાહન ચેકિંગ હાથ ધરાયું હતું.
શહેરના બગવાડા ચોકમાં એ ડિવિઝન પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે વાહનોનું બારીકાઈથી ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન નંબર પ્લેટ વગરના, અનધિકૃત અને નિયમ વિરુદ્ધ કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વાહનોના જરૂરી દસ્તાવેજો અને ચાલકોના લાયસન્સની પણ તપાસ કરાઈ હતી.
પોલીસે નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પોલીસની અચાનક રેડ એલર્ટ કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આગામી સમયમાં પણ તહેવારોને ધ્યાનમાં રાખીને પાટણ શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ અને સુરક્ષા બંદોબસ્ત ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ