
પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા
આધારકાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરાવવા માટે રૂ.9,000ની
લાંચ માગ્યાના આક્ષેપમાં પોરબંદર
હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસિસ્ટન્ટને ACBએ રૂ.7,500ની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACBએ છટકાનું આયોજન કરી કાર્યવાહી કરી હતી. ACBના જણાવ્યા મુજબ ફરિયાદીના
આધારકાર્ડમાં જન્મતારીખમાં સુધારો કરવાનો હતો. આ
કામગીરી માટે પોસ્ટલ આસિસ્ટન્ટ ધાર્મીક અશોકભાઈ
ત્રિવેદી (ઉં.વ.40), રહે. ખોડિયાર સોસાયટી, છાંયા, પોરબંદર દ્વારા રૂ.9,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી
પોરબંદર ACBનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી.
ફરિયાદના આધારે ACBએ હેડ પોસ્ટ ઓફિસ, રેલવે
સ્ટેશન રોડ, પોરબંદર ખાતે છટકાનું આયોજન કર્યું
હતું. દરમિયાન આરોપીએ રૂ.7,500ની લાંચ સ્વીકારતા ACBની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. લાંચની રૂ.7,500ની રકમ પણ રિકવર કરવામાં આવી છે.આ કાર્યવાહી
પોરબંદર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર
બી.કે.ગમાર તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.
મામલે આરોપી વિરુદ્ધ લાંચ સંબંધિત કાયદા હેઠળ
ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya