જામનગરમાં કોર્ટમાં બોગસ દસ્તાવેજ રજૂ કરી બનાવટી વીમા પોલિસીથી અકસ્માત વળતર મેળવવાનો ખેલ : ગુનો દાખલ
જામનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલમાં અકસ્માત વળતર મેળવવા માટે અસલ વીમા પોલિસીમાં છેડછાડ કરી મુદત સહિતની વિગતો બદલીને બનાવટી પોલિસી રજૂ કરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પંચકોશી એ. ડિવિઝ
ફરિયાદ


જામનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગરની મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલમાં અકસ્માત વળતર મેળવવા માટે અસલ વીમા પોલિસીમાં છેડછાડ કરી મુદત સહિતની વિગતો બદલીને બનાવટી પોલિસી રજૂ કરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા કાનૂની વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. અકસ્માતના કેસમાં વળતરની જવાબદારીમાંથી બચવા અથવા ગેરકાયદે લાભ મેળવવાના ઇરાદાથી અસલ પોલિસીની તારીખોમાં મોટો ફેરફાર કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હોવાનું ખુલ્લું પડ્યું છે.

આ અંગે રાજકોટમાં રહેતા અને ‘ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપની’માં ક્લેમ વિભાગમાં સિનિયર એસોસિયેટ તરીકે કામ કરતા 42 વર્ષીય નિસાર ફતેહમામદ જાડેજાએ અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ દાદુભા જાડેજા નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિગતવાર વિગતો મુજબ, જામનગરની કોર્ટમાં ચાલી રહેલા અકસ્માત વળતર દાવા કેસ નં. 30/2024 અંગેના કાગળો અને કોર્ટના સમન્સ એપ્રિલ-2024 દરમિયાન વીમા કંપનીની શાખા કચેરીમાં આવ્યા હતા. આ દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તા. 11 જાન્યુઆરી, 2024ના રોજ બનેલા અકસ્માતના બનાવ અંગે અશોક લેલન ટ્રક (નંબર GJ-14-X-5740) સંડોવાયેલ હતો, જેના પર પંચ એ ડિવિઝન પોલીસ મથકમાં આઈપીસીની કલમ 279, 337, 338 હેઠળ ગુનો નોંધાયેલો છે.

કેસના કાગળો સાથે રજૂ કરાયેલી પોલિસી નંબર D019155152માં પોલિસી ઈશ્યુ તારીખ અને મુદત તા. 29 સપ્ટેમ્બર, 2023થી તા. 28 સપ્ટેમ્બર, 2024 દર્શાવવામાં આવી હતી. જોકે, શંકા જતાં કંપનીના સિસ્ટમ રેકર્ડમાં તપાસ કરાતાં માલૂમ પડ્યું હતું કે આ જ પોલિસી નંબરની અસલ મુદત તા. 10 જુલાઈ, 2020થી તા. 9 જુલાઈ, 2021 સુધીની જ હતી. આમ, મૂળ પોલિસી એક્સપાયર થઈ ગઈ હોવા છતાં, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દસ્તાવેજમાં છેડછાડ કરી નવી બનાવટી પોલિસી ઊભી કરી તેને સાચી તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તને વળતર ચૂકવવાની જવાબદારીમાંથી છટકવા આ કાવતરું રચાયું હોવાની શંકા સાથે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande