


પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના બગવાડા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી મોટો ભૂવો પડ્યો હોવા છતાં સમારકામ ન થતાં શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા તંત્ર સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. બગવાડાથી સુભાષ ચોક તરફ જતો મુખ્ય બજારનો રસ્તો હોવાથી અહીં શાળાએ જતા બાળકો, રિક્ષા અને ST બસ સહિતનો વાહન વ્યવહાર સતત પસાર થાય છે.
પાટણ શહેરમાં છેલ્લા 4 મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની અને ભૂવા પડવાની સમસ્યા વધી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, નગરપાલિકાએ યોગ્યતા તપાસ્યા વગર નબળી એજન્સીને કામ આપ્યું છે. કામનો ઓર્ડર આપ્યાના 5 દિવસ બાદ પણ એજન્સીએ કામગીરી શરૂ કરી નથી અને સ્થળ પર મજૂરો પણ હાજર નથી.
આ મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકા સદસ્યની આગેવાની હેઠળ કાર્યકરોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ ભાજપના ઊંધા ઝંડા ફરકાવી નગરપાલિકાના વહીવટકર્તાઓ અને સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે ભૂગર્ભ ગટર અને ભૂવાની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ