
જામનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારની કેનાલમાં પાણીનો ભરાવો થયો હતો. વરસાદી પાણી સાથે કેનાલમાં મોટી માત્રામાં કચરો પણ એકત્ર થઈ ગયો હતો.
કેનાલની સફાઈ હાથ ધરી પાણીનો નિકાલ સરળ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આ સફાઈ અભિયાન દરમિયાન એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી, જેમાં કચરો દૂર કરવા ગયેલું જેસીબી પોતે જ કેનાલમાં ખૂંપી ગયું હતું, જેને લીધે મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ હતી.
પ્રથમ ફસાયેલા જેસીબીને બહાર કાઢવા માટે મનપા તંત્ર દ્વારા તાત્કાલિક બીજા જેસીબીને સ્થળ પર બોલાવવામાં આવ્યું હતું. પરંતુ કાદવ અને પાણીનું પ્રમાણ એટલું વધારે હતું કે પ્રથમ જેસીબીને રેસ્ક્યૂ કરવાની કામગીરી દરમિયાન બીજું જેસીબી પણ કેનાલમાં જઈને ફસાઈ ગયું હતું.
પરિણામે, કેનાલમાંથી કચરો સાફ કરવાની મૂળ કામગીરી બાજુ પર રહી ગઈ હતી અને તંત્રએ બંને જેસીબીને બહાર કાઢવા માટે આકાશ-પાતાળ એક કરવા પડ્યા હતા. ભારે વરસાદને કારણે કેનાલ વિસ્તારમાં ચોતરફ કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું હોવાથી કામગીરી અત્યંત જટિલ બની હતી.
આખરે મહાનગરપાલિકાની ટીમે ભારે જહેમત ઉઠાવીને બંને જેસીબીને સુરક્ષિત રીતે બહાર કાઢવાના ભગીરથ પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં મનપાની કામગીરી અને આયોજન સામે અનેક સવાલો પણ ઊભા થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt