
વલસાડ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)
શેરબજારમાં રોકાણ કરાવી ઊંચો નફો આપવાની લાલચ આપી રૂ. 1.46 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગ સામે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. બનાવટી ઈન્વેસ્ટમેન્ટ કંપની અને VIP ટ્રેડિંગ ગ્રુપના નામે છેતરપિંડી કરનાર ગેંગના વધુ બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી ખુશરુ ડાલી પેટીગરાને આરોપીઓએ B125-Wealthy Vision VIP Circle અને 460-Wealthy Vision VIP Circle નામના WhatsApp ગ્રુપમાં જોડ્યા હતા. ત્યારબાદ institutional trading મારફતે બલ્કમાં શેરની ખરીદી-વેચાણ કરીને વધુ નફો અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ WealthyIN Broking Private Limited નામની બનાવટી ઓળખ ઉભી કરી ફરિયાદી પાસેથી અલગ-અલગ રીતે કુલ રૂ.1,46,75,000 ટ્રાન્સફર કરાવ્યા હતા.
ફરિયાદીને એપ્લિકેશનમાં ખોટો નફો દર્શાવવામાં આવ્યો હતો. બાદમાં આ નફાની રકમ ઉપાડવા જતા 15 ટકા કમિશનના નામે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી. જોકે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન સાયબર ફ્રોડની રકમ જે બેંક ખાતામાં જમા થઈ હતી, તેના ખાતાધારક નરેન્દ્ર મહેશભાઈ માળીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે સાયબર ફ્રોડના રૂપિયા બેંકમાંથી ઉપાડી ભાર্গવ નરેશ સોલંકી, ટીંકેશ શંકરલાલ પઢીયાર અને મેહુલ મહેન્દ્ર કચ્છવાને આપ્યા હોવાની માહિતી આપી હતી.
આરોપીઓની શોધખોળ દરમિયાન બેંક એકાઉન્ટ, મોબાઈલ ડેટા, સોશિયલ મીડિયા એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસને માહિતી મળી હતી કે ભાર্গવ સોલંકી અને મેહુલ કચ્છવા માલગઢ ખાતે આવવાના છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. તપાસમાં મેહુલ મહેન્દ્ર કચ્છવાના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂ.18.70 લાખ જમા થયાનું પણ સામે આવ્યું છે.
ફરિયાદીને રૂ.53.97 લાખ પરત અપાવાયાસાયબર ક્રાઈમ પોલીસની ઝડપી કામગીરીના પરિણામે ફરિયાદીના ખાતામાંથી છેતરપિંડીની રકમમાંથી રૂ.53,97,797 પરત અપાવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં ભાર્ગવ નરેશભાઈ સોલંકી, રહે. માલગઢ, બનાસકાંઠા અને મેહુલ મહેન્દ્રભાઈ કચ્છવા, રહે. માલગઢ, બનાસકાંઠાનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.જી. રબારી, પો.સ.ઈ. ડી.એસ. પટેલ સહિતની ટીમે હાથ ધરી હતી.
પોલીસે લોકોને શેરબજારમાં રોકાણના નામે મળતા WhatsApp, Telegram અને અન્ય સોશિયલ મીડિયા ગ્રુપથી સાવચેત રહેવા અપીલ કરી છે. “ગેરંટીવાળો નફો”, “ડબલ પૈસા” અને “VIP Trading Group” જેવી લાલચ આપતી ઓફરોથી દૂર રહેવા તેમજ રોકાણ પહેલાં કંપની કે બ્રોકરની SEBI નોંધણી અને અધિકૃતતા ચકાસવા સૂચના આપવામાં આવી છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha